તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 8th July 2026
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા :નરોડા વિસ્તારમાંથી મોટું ડ્રગ્સ રેકેટ પકડ્યું :9.800 કિલો ગાંજા સાથે બે શખ્સોને દબોચી લીધા
ગાંજાની સમગ્ર કામગીરી મોહસીન નામના શખ્સ દ્વારા સોંપાઈ હતી ઇઝરાયલ ખાનને આ કામના બદલામાં પૈસા મળ્યા અને તેને આ જથ્થો મોહમ્મદ સાજિદને ડિલિવરી આપવાનો હતો.

અમદાવાદમાં રથયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને મળેલી સચોટ બાતમીના આધારે નરોડા વિસ્તારમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે 9.800 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
જપ્ત કરવામાં આવેલા ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 4 લાખ આંકવામાં આવી છે, જ્યારે કુલ મળીને 5.50 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો સપ્લાય માટે લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી મોહસીન નામના શખ્સ દ્વારા સોંપવામાં આવી હતી. જેમાં ઇઝરાયલ ખાનને આ કામના બદલામાં પૈસા મળ્યા હતા અને તેને આ જથ્થો મોહમ્મદ સાજિદને ડિલિવરી આપવાનો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા તાર તપાસવામાં આવી રહ્યા છે. લાંબા સમય બાદ શહેરમાંથી ગાંજાનો આટલો મોટો જથ્થો પકડાયો હોવાથી પોલીસ આ મામલે ખૂબ જ ગંભીર છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ દ્વારા ડ્રગ્સના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ કવાયત હાથ ધરી છે. ડ્રગ્સના આ મજબૂત નેટવર્કને તોડવા માટે શહેર પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે, જેથી રથયાત્રા પહેલા શહેરને નશા મુક્ત રાખી શકાય.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
