News of Friday, 19th June 2026
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા :વેજલપુરમાંથી ગાંજાના જથ્થા સાથે રીઢા ગુનેગારને રંગેહાથ ઝડપી લીધો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને લિયાકત ખાન ઉર્ફે સંજુ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં નશાબંધી અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે અમદાવાદ પોલીસ સતત સક્રિય છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર વોચ ગોઠવીને એક યુવકને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને લિયાકત ખાન ઉર્ફે સંજુ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 934 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 46,000થી વધુ આંકવામાં આવી રહી છે. પોલીસ આ વીડિયો અને ટેક્નોલૉજીની મદદથી આરોપીના અન્ય કનેક્શન પણ શોધી રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી લિયાકત ખાન ઉર્ફે સંજુ પઠાણ કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે અગાઉ પણ 8 જેટલા અલગ-અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ વિસ્તારમાં તે લાંબા સમયથી નશાનો કાળો કારોબાર ચલાવતો હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની કડક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
