<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી. એસ. મલ્લિકના માર્ગદર્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણની ટીમની માનવીય કામગીરી જાણીને આફરીન પોકારી ઉઠશો! : વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં કુલ ૨૭૬ માસૂમ બાળકોને રેસ્ક્યૂ કરાયા

બાળ મજૂરી અને ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ પોલીસની સઘન ઝુંબેશમાં ગુમ થયેલા ૩૩ બાળકોને શોધી પરિવારો સાથે મિલાવ્યા : આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગ રેકેટમાંથી ૧૫ દિવસના શિશુને મુક્ત કરાવતી ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને શી ટીમ : વર્ષ ૨૦૨૬માં એએમસી સાથે મળીને કરાયેલી કામગીરીમાં બાળકો સહિત ૮૯ પુખ્ત વયના લોકોનું પુનર્વસન કરાયું

રાજકોટ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળકોના અધિકારોની રક્ષા કરવા, બાળ ગુનાખોરી અટકાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશના અભૂતપૂર્વ પરિણામો સામે આવ્યા છે. અમદાવાદનાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી એસ મલ્લિક, જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણની ટીમ દ્વારા કરવામાં આવેલી આ માનવીય કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. વર્ષ ૨૦૨૪થી લઈને અત્યાર સુધીની અથાગ કામગીરી દરમિયાન વિવિધ સંવેદનશીલ સ્થળોએથી કુલ ૨૭૬ જેટલા માસૂમ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુમ થયેલા ૩૩ બાળકોને સફળતાપૂર્વક શોધી કાઢીને તેમને તેમના પરિવારો સાથે પુનઃ મિલન કરાવી પરિવારોમાં ખુશીની લહેર પ્રસરાવી દેવામાં આવી છે.

બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા માફિયાઓ અને તત્વો સામે લાલ આંખ કરીને જેજે એક્ટ હેઠળ કુલ ૨૨ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે અને નરકાગાર જેવી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં ધકેલાયેલા ૬૭ બાળકોને મુક્ત કરાવાયા છે. આ તમામ બાળકોને એએમસી શાળાઓમાં પુનર્વસન માટે મોકલી શિક્ષણ તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત બાળ મજૂરીની બદી વિરુદ્ધ જુદા જુદા ઔદ્યોગિક અને વ્યાપારી સ્થળોએ કડક દરોડા પાડીને ૩૩ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે અને મજૂરીની પિશાચી ચુંગાલમાંથી કુલ ૧૦૭ માસૂમ બાળકોને છોડાવવામાં આવ્યા છે. પોલીસ ટીમની એક સૌથી મોટી સફળતામાં આંતરરાજ્ય માનવ તસ્કરી એટલે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ કરીને માત્ર ૧૫ દિવસના એક નવજાત શિશુને પણ મોતના મુખમાંથી બચાવી લેવામાં સફળતા મળી છે.

બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું છે. જાહેર સ્થળો પર થતી રોમિયોગીરી, ન્યુસન્સ અને છેડતીની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે મહિલા સેલ, શી ટીમ્સ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમો દ્વારા એક મહિનાની સઘન વુમન્સ સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત કડક કાર્યવાહી કરીને જીપી એક્ટ હેઠળ ૫૭ જેટલા કેસો નોંધીને અસામાજિક તત્વો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

ચાલુ વર્ષ ૨૦૨૬ની કામગીરીની વિગતો જોઈએ તો, બાળકોને ભિક્ષાવૃત્તિની બદીમાંથી મુક્ત કરાવવા માટે ૪૦થી વધુ સ્વતંત્ર એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ એએમસી અને અન્ય સંબંધિત સરકારી વિભાગો સાથે મળીને નિયમિતપણે સંયુક્ત ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૬૦થી વધુ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને આ બાળકોની સાથે જ ૮૯ પુખ્ત વયના લોકોને પણ આશ્રય આપી પુનર્વસન તરફ વાળવામાં આવ્યા છે.

(7:36 PM IST)