<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નરોડા વિસ્તારમાંથી કૌભાંડનો પર્દાફાશ કર્યો : બોગસ કંપની બનાવી નાણાકીય કૌભાંડ: એક આરોપીની ધરપકડ

સામાન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બોગસ કંપનીઓ અને બેંક ખાતા ખોલીને કરોડો રૂપિયાની નાણાકીય હેરાફેરી કરવામાં આવતી હતી

અમદાવાદમાં નાણાકીય છેતરપિંડી આચરતા એક મોટા કૌભાંડનો ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા સામાન્ય લોકોના આધાર અને  અન્ય ઓળખના દસ્તાવેજો મેળવીને તેમની જાણ બહાર બોગસ કંપનીઓ અને બેંક ખાતા ખોલવામાં આવતા હતા. આ કૌભાંડનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે મળેલા નાણાંને બેંકિંગ ચેનલ દ્વારા વ્હાઇટ કરવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે નરોડા વિસ્તારમાં દરોડા પાડીને વિશાલ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ આખા કૌભાંડના સૂત્રધાર તરીકે કિરણ પરમાર ઉર્ફે લાલાનું નામ સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો લોકો પાસેથી ID પ્રૂફ મેળવી, તેને આધાર બનાવી ખોટી ફર્મ રજીસ્ટર કરાવતા અને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી લેતા હતા. આ દસ્તાવેજોના આધારે તેઓ અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવતા અને તે ખાતાનો ઉપયોગ મોટા પાયે ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરવા માટે કરવામાં આવતો હતો.

આ કેસમાં મોટા પ્રમાણમાં નાણાંની હેરાફેરી થઈ હોવાની શંકા છે. આ ટોળકી કઈ રીતે અને કોના ઈશારે આ કામ કરતી હતી, તેમજ અત્યાર સુધી કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તે અંગે ક્રાઇમ બ્રાંચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. કિરણ પરમાર ઉર્ફે લાલા સહિતના તેના અન્ય સાગરીતો હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા આ સમગ્ર કૌભાંડને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. શહેરમાં આ પ્રકારના સાયબર-ફાઇનાન્શિયલ ફ્રોડના કિસ્સાઓ વધતા પોલીસ દ્વારા નાગરિકોને પણ પોતાના અંગત દસ્તાવેજો કોઈ અજાણી વ્યક્તિને ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.

(10:36 PM IST)