<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પલ્ટી જતા બે લોકોના કરૂણમોત : 4 લોકોને ગંભીર ઇજા

અમદાવાદથી ભાવનગર જઈ રહેલી કારના ડ્રાઈવરે પીપળી ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ જમાલપુરના નઝીર હુસૈન મેમણ અને અન્ય એક વ્યક્તિનું મોત

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક કારના ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે

મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ મુસાફરો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હતા અને તેઓ ભાવનગર જઈ રહ્યા હતા. પીપળી ગામ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.મૃતકોમાં અમદાવાદના જમાલપુર વિસ્તારના નઝીર હુસૈન અબ્દુલકાદર મેમણ (ઉં.32 વર્ષ) તથા અન્ય એકની ઓળખ કરવાની બાકી છે. કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 4 ઈજાગ્રસ્તોને પીપળી, ધોલેરા અને ધંધુકા એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ધોલેરા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:40 PM IST)