તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
દેશભરમાં કેસોના ભરાવામાં અમદાવાદ જિલ્લાની અદાલતો ચોથા ક્રમેઃ ૩.૬ લાખ કેસ પેન્ડિંગઃ સુરત પણ ટોપ ૧૦૦ જિલ્લાઓમાં
અમદાવાદની કોર્ટોમાં ૫ ટકા કેસ દસ વર્ષથી વધુ સમયથી, જ્યારે લગભગ ૧૦ ટકા કેસ પાંચથી દસ વર્ષથી પેન્ડિંગ કેસોના નિકાલમાં થતો વિલંબ ઘટાડવા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અમદાવાદ અને સુરતની જિલ્લા અદાલતો સાથે મળીને અભ્યાસ કરશે

અમદાવાદ,તા.૨૯: ગુજરાતમાં અદાલતોમાં પેન્ડિંગ કેસોના ભારણની ગંભીર સ્થિતિ સામે આવી છે. અમદાવાદની જિલ્લા અદાલતમાં આશરે ૩.૬ લાખ કેસ પેન્ડિંગ છે, જેના કારણે દેશના તમામ જિલ્લાઓમાં તેનો ચોથો ક્રમ છે. જ્યારે સુરત આશરે ૧.૩ લાખ પેન્ડિંગ કેસ સાથે ૮૦મા ક્રમે છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના રાષ્ટ્રીય સ્તરના અભ્યાસમાં આ બંને જિલ્લાઓને કેસોના ભારે ભરાવાવાળા ૧૦૦ ન્યાયિક જિલ્લાઓમાં સામેલ કરાયા છે. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ જણાવે છે.
આ સમસ્યાના મૂળ કારણો શોધવા અને કેસોના નિકાલમાં થતો વિલંબ ઘટાડવા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) અમદાવાદ અને સુરતની જિલ્લા અદાલતો સાથે મળીને અભ્યાસ કરશે. મંત્રાલયના નિર્દેશો બાદ આ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. દેશભરમાં જિલ્લા અને નીચલી અદાલતોમાં પેન્ડિંગ કેસો ઘટાડવા માટે સંશોધન આધારિત અભિયાનનો આ એક ભાગ છે.
ઉપલબ્ધ આંકડા મુજબ, કેસોના ભરાવાની લ્લષ્ટિએ દેશના ટોચના પાંચ જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લા અને પヘમિ બંગાળ તથા ગુજરાતનો એક-એક જિલ્લો સામેલ છે. ન્યાયિક ડેશબોર્ડના આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં પેન્ડિંગ કેસોમાંથી આશરે ૫ ટકા કેસ દસ વર્ષથી વધુ સમયથી, જ્યારે ૧૦ ટકા કેસ પાંચથી દસ વર્ષથી પેન્ડિંગ છે.
આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશની અદાલતોમાં ૫.૮ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાંથી મોટા ભાગના જિલ્લા અને નીચલી અદાલતોમાં છે. મંત્રાલયના નિવેદન મુજબ, ઓળખાયેલા ૧૦૦ જિલ્લાઓમાં જ જિલ્લા અદાલતોના કુલ પેન્ડિંગ કેસોમાંથી અડધાથી વધુ કેસનો ભરાવો છે.
આ મુદ્દે કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ સહિતના વરિષ્ઠ મંત્રાલયના અધિકારીઓએ ૧૬ રાજ્યોની ૧૯ રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક યોજી હતી. તેમાં બિનજરૂરી બની ગયેલા કેસોની ઓળખ, કેસોની વિગતોનું વર્ગીકરણ, વૈકલ્પિક વિવાદ નિવારણ, મુદતોના સંચાલન, ગુનો કબૂલવા બદલ સજામાં રાહતની પ્રક્રિયા, મધ્યસ્થીથી સમાધાન અને સંક્ષિપ્ત સુનાવણીની પ્રક્રિયા જેવા વિકલ્પો પર ચર્ચા થઈ હતી. યુનિવર્સિટીઓ પોતાની નિઃશુલ્ક કાનૂની સેવા ક્લબ, સંશોધકો અને વિદ્યાર્થીઓની મદદથી પસંદ કરેલા જિલ્લાઓમાં જમીની સ્તરે અભ્યાસ કરી શકે તેવું પણ સૂચવાયું હતું.
GNLU ડિરેક્ટર પ્રો. એસ. શાંતકુમારે જણાવ્યું હતું કે યુનિવર્સિટી અમદાવાદ અને સુરતની જિલ્લા અદાલતોના અધિકારીઓ સાથે કામ કરશે. તેમણે કહ્યું કે પેન્ડિંગ કેસોનું મૂલ્યાંકન કરી વિલંબનાં મૂળ કારણો શોધવા અને કેસોનો ભરાવો ઘટાડવા શક્ય ઉપાયો સૂચવવાનો આ અભ્યાસનો હેતુ છે. તેઓ અધ્યાપકો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓની ટીમ સાથે પ્રોજેક્ટનું નેતૃત્વ કરશે.
પ્રો. શાંતકુમારે જણાવ્યું હતું કે પેન્ડિંગ કેસોમાં ગુનાહિત કેસોનું પ્રમાણ વધારે હોવાનું જણાયું છે. કેટલાક કેસોમાં પક્ષકારો હવે હાજર નથી, તો કેટલાકમાં દસ્તાવેજોનો અભાવ, યોગ્ય કાનૂની પ્રતિનિધિત્વ ન હોવું અથવા ટેકનિકલ સમસ્યાઓ જવાબદાર હોઈ શકે છે. કેસોનું વિગતવાર વિશ્લેષણ કરવાથી વિલંબનાં ચોક્કસ કારણો ઓળખવામાં મદદ મળશે
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
