<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અમદાવાદ જિલ્લા પોલીસના જાગૃતિ અભિયાનથી એપલવુડ ટાઉનશીપમાં 'ડિજિટલ એરેસ્ટ'ની કોશિશ નાકામ : સાયબર સેમિનારમાંથી મળેલા જ્ઞાનથી બે વરિષ્ઠ નાગરિકો લૂંટાતા બચ્યા

જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સાયબર સુરક્ષા કાર્યશાળા રંગ લાવી : કથિત સરકારી એજન્સીના ધમકીભર્યા ફોન કોલ છતાં જાગૃત વડીલોએ વીડિયો કોલ કાપી લાખોની છેતરપિંડી નિષ્ફળ બનાવી

અમદાવાદ: સમગ્ર દેશમાં સાયબર ઠગો દ્વારા સામાન્ય પ્રજા અને વિશેષ કરીને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવી ‘ડિજિટલ એરેસ્ટ’ તેમજ નકલી સીબીઆઈ કે પોલીસ તપાસના નામે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના સીધા માર્ગદર્શન હેઠળ જનજાગૃતિનું સરાહનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ શ્રેણી અંતર્ગત શાંતિપુરા ક્રોસ રોડ નજીક આવેલી જાણીતી એપલવુડ ટાઉનશીપ સ્થિત ઓર્કિડ હેવન સોસાયટી ખાતે જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઈમ સેલના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝનો અને ગૃહિણીઓ માટે વિશેષ સાયબર સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સાયબર ટીમના નિષ્ણાતોએ સાયબર ફ્રોડથી રક્ષણ મેળવવાના વિવિધ ઉપાયો અને કથિત ‘ડિજિટલ એરેસ્ટ’ના ફેક વીડિયો કોલ પાછળનું ષડયંત્ર વિગતવાર સમજાવ્યું હતું.

વર્કશોપમાં આપેલી શીખથી છેતરપિંડી ટળી:
વર્કશોપ સંપન્ન થયાના થોડા જ દિવસોમાં ઓર્કિડ હેવન સોસાયટીના બે વરિષ્ઠ નાગરિકો પર સાયબર ગઠિયાઓ દ્વારા સરકારી એજન્સીના નામે ધમકીભર્યા કોલ કરી 'ડિજિટલ એરેસ્ટ'ની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ વર્કશોપમાં પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલ સ્પષ્ટ સૂચના કે "કોઈ પણ કાયદેસર પોલીસ કે સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા ધરપકડ કે નાણાંની માંગણી કરતી નથી" તે ધ્યાને રાખીને બંને વડીલોએ જરાય વિચલિત થયા વિના તરત જ કોલ કાપી નાખ્યો હતો અને મોટી આર્થિક છેતરપિંડીને નિષ્ફળ બનાવી હતી.

સ્થાનિક રહીશો દ્વારા પોલીસ ટીમનો આભાર:
સોસાયટીના મેનેજિંગ કમિટી સભ્ય હિરેન કોટક તેમજ સ્થાનિક રહીશોએ અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને સમગ્ર સાયબર ટીમની સક્રિયતા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસની આ આગવી પહેલ સાચા અર્થમાં નાગરિકો માટે જીવનરક્ષક કવચ બની રહી છે.

પોલીસનો સાયબર સુરક્ષા અંગે સંદેશ:
પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના શંકાસ્પદ કે અજાણ્યા કોલ અથવા વીડિયો કોલથી ગભરાવું નહીં. કોઈપણ સાયબર ફ્રોડનો ભોગ બનતા કે શંકા જતાં તુરંત ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ડાયલ કરવું અથવા સત્તાવાર પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.

(4:01 PM IST)