તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓનો મોટો સપાટો : બેંગકોકથી ટ્રોલી બેગમાં છુપાવીને લવાતો ૨૦ કરોડથી વધુની કિંમતનો ૨૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો
ડીઆરઆઈની બાતમીના આધારે કસ્ટમ્સ અને એઆઈયુના અધિકારીઓએ થાઈ એરવેઝના મુસાફરને દબોચ્યો : સહારનપુરના આરોપીએ ડ્રગ્સની હેરાફેરી માટે દિલ્હીથી બેંગકોક અને ત્યાંથી અમદાવાદનો લાંબો રૂટ અપનાવ્યો હતો

અમદાવાદ: વિદેશથી ગુજરાતના રસ્તે ભારતમાં ઘુસાડવામાં આવી રહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના એક મસમોટા કાળા વ્યવસાયનો પર્દાફાશ કરીને સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્મગલરોની કમર તોડી નાખી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગ્લોબલ માર્કેટમાં અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની ચોંકાવનારી કિંમત ધરાવતો હાઈ-ક્વોલિટી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. એક અતિ ગુપ્ત અને ચોક્કસ ઓપરેશન દરમિયાન ઉત્તર પ્રદેશના એક શાતિર કુરિયરની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે, જે મોટા ગજાના ડ્રગ્સ સિન્ડિકેટ માટે એક પ્યાદા તરીકે કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
આ સપાટો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ તરફથી મળેલી ચોક્કસ સેન્ટ્રલ ઇનપુટ્સના આધારે બોલાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે એરપોર્ટ પર કડક ફિલ્ડિંગ ગોઠવી દેવામાં આવી હતી. ગત ૨૦ અને ૨૧ મેની મધ્યરાત્રિએ થાઈલેન્ડના બેંગકોકથી ઉડીને અમદાવાદ રનવે પર લેન્ડ થયેલી થાઈ એરવેઝની ફ્લાઈટના મુસાફરો પર અધિકારીઓની ટીમ ઝીણવટભરી નજર રાખી રહી હતી. આ દરમિયાન ઇમિગ્રેશન તરફ આગળ વધી રહેલા એક ભારતીય નાગરિકની શંકાસ્પદ ચાલ અને બોડી લેંગ્વેજ જોઈને અધિકારીઓએ તેને ગ્રીન ચેનલ વટાવે તે પહેલાં જ કોર્ડન કરી લીધો હતો અને પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો.
ત્યારબાદ કસ્ટમ્સ અને એઆઈયુની ટીમે જ્યારે આરોપીની ટ્રોલી બેગનું સ્કેનિંગ કરીને તેને ખોલી ત્યારે તેની અંદર કપડાની આડમાં સંતાડીને રાખેલા ૧૯ વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. પ્લાસ્ટિકના આ એર-ટાઈટ પેકેટોને કાપીને જોતા તેમાંથી વિશિષ્ટ પ્રકારના કેમિકલ ટ્રીટેડ લીલા છોડ અને કળીઓનો જથ્થો બહાર આવ્યો હતો. એરપોર્ટ પર કાર્યરત સ્પેશિયલ નાર્કોટિક્સ કિટ દ્વારા જ્યારે આ સામગ્રીનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે તે પ્રતિબંધિત કેનાબીસ એટલે કે ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું. કસ્ટમ્સ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ ૨૦.૩૬૬ કિલોગ્રામ ડ્રગ્સનો આ જથ્થો પોતાના કબજામાં લીધો હતો.
પકડાયેલા આ આરોપીની ઓળખ ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી તરીકે થઈ છે. કાયદાની નજરોમાં ધૂળ નાખવા માટે આ સિન્ડિકેટે દિલ્હીથી વાયા બેંગકોક થઈને અમદાવાદનો એક લાંબો અને અટપટો રૂટ પસંદ કર્યો હતો જેથી કસ્ટમ્સ ચેકિંગથી બચી શકાય. આરોપી બેંગકોકથી આ કરોડોનો માલ સગેવગે કરવા માટે અમદાવાદ એરપોર્ટ ઉતર્યો હતો અને અહીંથી બાય રોડ અથવા ડોમેસ્ટિક ફ્લાઈટ પકડીને દિલ્હી પહોંચવાનો તેનો પ્લાન હતો. જોકે તે પોતાની યોજનામાં સફળ થાય તે પહેલાં જ કાયદાના સકંજામાં આવી ગયો હતો. હાલ આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય આકાઓ સુધી પહોંચવા માટે સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
