News of Saturday, 16th May 2026
વૈશ્વિક ઇંધણ કટોકટી વચ્ચે અમદાવાદ મેટ્રો સેવાઓનો સમય રાત્રે ૧૧ વાગ્યા સુધી લંબાવાયો : પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટનો મોટો નિર્ણય
જીએમઆરસી દ્વારા આગામી સોમવારથી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પર દોડશે વધારાની મેટ્રો ટ્રેનો : ગાંધીનગર મહાત્મા મંદિર રૂટ પર પણ રાત્રિ ફેરા વધારાયા

અમદાવાદ : વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઇંધણ બચાવવા (ફ્યુઅલ સેવિંગ) માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મેટ્રો સહિતની જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવાની દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. પ્રધાનમંત્રીની આ પર્યાવરણલક્ષી અને આર્થિક અપીલને સકારાત્મક પ્રતિસાદ આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અન્વયે નાગરિકોની સુવિધા માટે હવે મેટ્રો રેલ સેવાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી કાર્યરત રાખવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના આ આદેશને પગલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આગામી સોમવાર, તારીખ ૧૮.૦૫.૨૦૨૬ થી મેટ્રો ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરીને સમય લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર રાત્રે વધુ ત્રણ સર્વિસ શરૂ કરાશે:
નવા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર મુસાફરોની અવરજવર માટે રાત્રિના સમયે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી છે. વસ્ત્રાલગામથી અત્યારે છેલ્લી મેટ્રો ટ્રેન રાત્રિના ૧૦ કલાકે ઊપડતી હોય છે, જેનો સમય લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧ કલાકે ઉપાડવાનું નક્કી કરાયું છે. આ અંતર્ગત વધારાની ૩ નવી સર્વિસ રાત્રે ૧૦:૨૦, ૧૦:૪૦ અને ૧૧ કલાકે વસ્ત્રાલગામથી ઉપડીને થલતેજ ગામ સુધી જશે. તેવી જ રીતે, થલતેજ ગામથી પણ અત્યાર સુધી છેલ્લી ટ્રેન રાત્રે ૧૦ કલાકે ઊપડતી હતી, જે હવે લંબાવીને રાત્રિના ૧૧ કલાકે કરવામાં આવી છે. જેના કારણે વધારાની ૩ સર્વિસ રાત્રે ૧0:૨૦, ૧0:૪૦ અને ૧૧ કલાકે થલતેજ ગામથી ઉપડીને વસ્ત્રાલગામ તરફ રવાના થશે.
ઉત્તર-દક્ષિણ કોરિડોર: એપીએમસી અને કોટેશ્વર રૂટ પર પણ સમય વધ્યો:
શહેરના ઉત્તર-દક્ષિણ કોરિડોર પર મુસાફરી કરતા નાગરિકો માટે પણ જીએમઆરસી દ્વારા સમય વધારવામાં આવ્યો છે. એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના ૧0:૧0 કલાકે ઊપડતી હોય છે, જે સમય લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧:૧0 કલાકે ઉપડશે. આ ફેરફાર અન્વયે વધારાની ૩ નવી સર્વિસ રાત્રે ૧0:૩૦, ૧0:૫૦ અને ૧૧:૧૦ કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. તે જ રીતે, કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે ૧0:૦૫ કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧ કલાકે ઉપડશે. આ રૂટ પર પણ વધારાની ૩ સર્વિસ રાત્રે ૧0:૨૦, ૧0:૪૦ અને ૧૧ કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી લંબાવવામાં આવી છે.
ગાંધીનગર મહાત્મા મંદિર જતી ટ્રેનોના સમયમાં પણ મોટો ફેરફાર:
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રૂટ પર પણ મુસાફરોની સુવિધા માટે રાત્રિના સમયમાં મોટો વધારો કરાયો છે. કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન અત્યાર સુધી રાત્રે ૦૭:૪૩ કલાકે ઊપડતી હતી, જેનો સમય ઘણો લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૯:૨૦ કલાકે ઉપાડવાનું આયોજન કરાયું છે. આ અન્વયે વધારાની ૨ વિશેષ સર્વિસ રાત્રે ૮:૧૭ અને ૯:૨૦ કલાકે કોટેશ્વરથી ઉપડીને મહાત્મા મંદિર સુધી જશે. બીજી તરફ, મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેન રાત્રે ૦૮:૦૯ કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે રાત્રિના ૯ કલાકે ઉપડશે અને આ ટ્રેન મહાત્મા મંદિરથી ઉપડીને કોટેશ્વર થઈને છેક એપીએમસી સુધી પોતાની સફર લંબાવશે.
ડિટેઇલ ટાઇમ ટેબલ વેબસાઇટ પર ઉપલબ્ધ, ગ્રીન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ:
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેટ્રો સેવાનું આ નવું અને વિસ્તૃત ડિટેઇલ ટાઇમ ટેબલ મુસાફરોની જાણકારી માટે ગુજરાત મેટ્રો રેલની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું છે. જીએમઆરસીએ ઉમેર્યું હતું કે, મેટ્રો રેલ એ સંપૂર્ણપણે સલામત, વિશ્વસનીય, આરામદાયક અને પ્રદૂષણમુક્ત ગ્રીન પરિવહન છે. વર્તમાન સમયમાં પર્યાવરણની સુરક્ષા અને દેશના ઇંધણના સંગ્રહ માટે નાગરિકો ખાનગી વાહનોનો વપરાશ ઘટાડીને આ લંબાવવામાં આવેલી મેટ્રો સેવાઓનો રોજિંદા જીવનમાં મહત્તમ ઉપયોગ કરે તેવી ખાસ અપીલ ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા કરવામાં આવી છે.

(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
