તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 11th May 2026
અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: માધુપુરા વિસ્તારમાં મસાલાના ગોડાઉન પર દરોડા: લાખોની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ
ગોડાઉનમાંથી આશરે 2500 કિલો ભેળસેળિયું હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો શંકાસ્પદ જથ્થો મળતા તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે લાલઆંખ કરવામાં આવી છે.અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલા એક જાણીતા મસાલાના ગોડાઉન પર દરોડા પાડીને તંત્ર દ્વારા લાખોની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેનાથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ અવિનાશ મસાલાના ગોડાઉન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન તંત્રને મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી. ગોડાઉનમાંથી આશરે 2500 કિલો ભેળસેળિયું હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લેબ ટેસ્ટ મુજબ, હળદરમાં નિર્ધારિત માત્રા કરતા બમણું સ્ટાર્ચ મળી આવ્યું હતું, જે સીધી રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. આ ઉપરાંત કાજુના ટુકડાની ગુણવત્તા પણ અત્યંત હલકી કક્ષાની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભેળસેળના પુરાવા મળતા જ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. FSSAI એક્ટ હેઠળ ગોડાઉન સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હળદરમાં સ્ટાર્ચની ભેળસેળ વજન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કરવામાં આવતી હોય છે, પરંતુ તે લાંબા ગાળે માનવ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. AMC ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી તપાસ ચાલુ રહેશે. તહેવારો કે સામાન્ય દિવસોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારા વેપારીઓને બક્ષવામાં આવશે નહીં.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
