<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

અમદાવાદ મનપાની નવી પહેલ : દંપતીના ફોટા અને યુનિક QR કોડ સાથે ડીઝીટલ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુની શરૂઆત

બોડકદેવ સબ ઝોનલ કચેરી ખાતે પ્રારંભ : નાગરિકો ઓનલાઈન સ્લોટ બુક કરી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની બોડકદેવ સબ ઝોનલ કચેરી ખાતેથી નવા ફોર્મેટ મુજબના મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની સત્તાવાર શરૂઆત કરી દેવામાં આવી છે. 1 ઓગસ્ટથી અમલમાં આવેલા આ નવા નિયમ અંતર્ગત હવે રાજ્યના નાગરિકો ઘર બેઠા ઓનલાઈન સ્લોટ બુક કરીને સરળતાથી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશે.  

ગુજરાતમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા મેરેજ સર્ટિફિકેટમાં પતિ અને પત્ની બંનેના ફોટોગ્રાફ્સ તેમજ સુરક્ષા માટે યુનિક QR કોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશેષ QR કોડને સ્માર્ટફોનથી સ્કેન કરીને ગમે ત્યારે સર્ટિફિકેટનું ડિજિટલ વેરિફિકેશન ત્વરિત કરી શકાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને લાભાર્થી દંપતી દીપ પટેલના જણાવ્યા મુજબ આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ફોર્મેટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.  

 

AMC ના આ અભિનવ અભિગમથી ખાસ કરીને પરણિત મહિલાઓને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. નવા ફોર્મેટ અને ડિજિટલ વેરિફિકેશનની આ સરળ પ્રક્રિયાના કારણે મહિલાઓ માટે લગ્ન બાદ વિવિધ સરકારી દસ્તાવેજો તેમજ ઓળખકાર્ડમાં નામ અને સરનામામાં ફેરફાર કરાવવાની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનશે. તંત્રના આ પગલાથી નાગરિકોનો સમય બચશે અને વહીવટી કામગીરીમાં પારદર્શિતા આવશે.  

 

(2:05 PM IST)