<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ અને સમયમાં થશે ફેરફાર: સાબરમતીથી ઉપડશે અને આંબલી રોડ સ્ટેશને ઊભી રહેશે

હવે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદ (કાલુપુર)ના બદલે સાબરમતી (જેલ સાઇડ - SBT) રહેશે.

અમદાવાદ :મુસાફરોની સુવિધા, બહેતર રેલ કનેક્ટિવિટી અને આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત કરવાના હેતુથી રેલવે મંત્રાલયે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ–ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયપત્રક તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન ખાતે નવું સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ સુધારેલી વ્યવસ્થા આગામી 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે.

સુધારેલી વ્યવસ્થા મુજબ, હવે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદ (કાલુપુર)ના બદલે સાબરમતી (જેલ સાઇડ - SBT) રહેશે. આ ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારના મુસાફરોની લાંબા સમયની માગને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર પણ વધારાનું સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે.

17 ઑગસ્ટ, 2926થી અમલી બનનાર નવી સમયસારણી મુજબ-

 

  • ટ્રેન નંબર 22925 (સાબરમતી–ઓખા વંદે ભારત): દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન સવારે 06:23 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પહોંચશે અને 06:25 વાગ્યે ઉપડીને બપોરે 13:20 વાગ્યે ઓખા પહોંચશે.
  • ટ્રેન નંબર 22926 (ઓખા–સાબરમતી વંદે ભારત): ઓખાથી સાંજે 16:45 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન રાત્રે 22:40 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પહોંચશે અને 22:42 વાગ્યે ત્યાંથી ઉપડીને રાત્રે 23:10 વાગ્યે સાબરમતી ટર્મિનલ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ (મંગળવાર સિવાય) નિયમિતપણે દોડશે.

 

આ નિર્ણયથી આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ જેવી હાઇ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. તેના પરિણામે પશ્ચિમ અમદાવાદના એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના રૂરલ વિસ્તારોના મુસાફરોને ટ્રેન પકડવા માટે કાલુપુર સુધી જવાની જરૂર નહીં રહે. જેનાથી સમય અને ટ્રાફિક બંનેની મોટી બચત થશે.

 

 

 

રેલવે પ્રશાસન અનુસાર, વર્તમાન સમય-સારણી મુજબ ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારતની હાલની વ્યવસ્થા 15 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે સામે પક્ષે ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 16 ઑગસ્ટ, 2026 સુધી યથાવત રહેશે. ત્યારબાદ 17 ઑગસ્ટથી નવી સિસ્ટમ મુજબ બુકિંગ અને સંચાલન શરૂ થશે.

(11:52 PM IST)