તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
અમદાવાદ રેલવેનો રેકોર્ડ :માત્ર 11 દિવસમાં વિવિધ સ્ટેશનો પરથી અંદાજે 20 લાખ મુસાફરોએ વિવિધ ટ્રેનમાં સફર કરી
અમદાવાદ, સાબરમતી, અસારવા, મણિનગર અને ગાંધીનગર જેવા સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ : ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે સ્ટેશનો પર વિશેષ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા

અમદાવાદ : સમર વેકેશનની શરૂઆત થતાં જ ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ રેલવે મંડળે આ પડકારને પહોંચી વળવા માટે અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરી છે. માત્ર 11 દિવસના ટૂંકા ગાળામાં અમદાવાદ ક્ષેત્રના વિવિધ સ્ટેશનો પરથી અંદાજે 20 લાખ મુસાફરોએ પોતાની મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સુગમ યાત્રા માટે લેવાયેલા ખાસ પગલાંઓને કારણે લાખો લોકોની મુસાફરી યાદગાર બની રહી છે.
17 એપ્રિલથી 27 એપ્રિલ 2026 દરમિયાન અમદાવાદ, સાબરમતી, અસારવા, મણિનગર અને ગાંધીનગર જેવા સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. આ આંકડો દર્શાવે છે કે ઉનાળાના વેકેશનમાં રેલવે મુસાફરીનો ક્રેઝ કેટલો વધ્યો છે. ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે સ્ટેશનો પર વિશેષ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં મુસાફરો ટ્રેન આવે તે પહેલાં આરામથી બેસી શકે છે અને પ્લેટફોર્મ પર બિનજરૂરી ગરદી થતી નથી.
યાત્રીઓની વધારાની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા 33 જેટલી સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના શહેરો જેવા કે કાનપુર, પટના અને હાવડાને જોડે છે. આટલું જ નહીં, નિયમિત ટ્રેનોમાં પણ મુસાફરોને જગ્યા મળી રહે તે માટે વિવિધ ટ્રેનોમાં 43 જેટલા વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેનાથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને મોટી રાહત મળી છે.
કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની સુવિધા સઘન બનાવવામાં આવી છે. સ્ટેશનના તમામ વોટર કૂલરોનું સર્વિસિંગ કરાયું છે અને હેલ્થ ઈન્સપેક્ટરો દ્વારા પાણીની શુદ્ધતાની સતત ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત, એનજીઓ અને સ્કાઉટ-ગાઈડના સહયોગથી સામાન્ય ડબ્બાના મુસાફરોને તેમના ડબ્બા પાસે જ પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તડકામાં મુસાફરોને હાલાકી ન પડે.
મુસાફરોની સુરક્ષા માટે રેલવે સુરક્ષા બળ (RPF) અને ટિકિટ ચેકિંગ સ્ટાફને 24 કલાક તૈનાત રાખવામાં આવ્યા છે. ભીડભાડવાળા વિસ્તારો અને ફૂટ ઓવર બ્રિજ પર રિયલ-ટાઇમ સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વૉકી-ટૉકી દ્વારા જવાનો સતત સંપર્કમાં રહીને કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે સજ્જ છે. પ્લેટફોર્મ પર એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી નાસભાગ જેવી સ્થિતિ ન સર્જાય.
ટિકિટ બારીઓ પર લાંબી લાઈનો ન લાગે તે માટે અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર વધારાના કાઉન્ટર્સ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુસાફરોને ATVM મશીન અને 'રેલમદદ' એપનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સ્પેશિયલ ટ્રેનોના સમય અને પ્લેટફોર્મની માહિતી સોશિયલ મીડિયા, ડિસ્પ્લે બોર્ડ અને સતત ઉદઘોષણાઓ (Announcements) દ્વારા આપવામાં આવી રહી છે, જેથી મુસાફરો ભ્રમિત ન થાય.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
