તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
શિક્ષણના ઉમદા હેતુ માટે દોડ્યું અમદાવાદ: 'માઇલ્સ એન માઇન્ડ્સ' રન યોજાઈ, ૧૦૦% ભંડોળથી વંચિત બાળકોને શૈક્ષણિક કિટ્સ અપાશે!
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ ટીવી એક્ટર ગૌરવ વાધવા સહિત ફિટનેસપ્રેમીઓએ લીધો ઉત્સાહભેર ભાગ: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રસ્તા પર ઉતર્યા અમદાવાદીઓ

અમદાવાદ : સૌને શિક્ષણનો લાભ મળે અને વંચિત બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા સુંદર આશય સાથે અમદાવાદ સ્થિત લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 'માઇલ્સ એન માઇન્ડ્સ' કોમ્યુનિટી રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વંચિત વર્ગના બાળકોના સશક્તિકરણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કામ કરતી આ સંસ્થાની દોડમાં વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ, પરિવારો અને ફિટનેસપ્રેમીઓએ મોટા પ્રમાણમાં જોડાઈને શિક્ષણ જેવા પવિત્ર કાર્યને પોતાનું સમર્થન આપ્યું હતું.
આ દોડનું આયોજન ૨ કિમી, ૫ કિમી અને ૧૦ કિમીની અલગ-અલગ કેટેગરીમાં કરવામાં આવ્યું હતું જેથી દરેક વયજૂથ અને ફિટનેસ લેવલના લોકો ભાગ લઈ શકે. આ ઇવેન્ટની સૌથી વિશેષ વાત એ છે કે રનમાંથી એકત્રિત થનાર ૧૦૦ ટકા ભંડોળ જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક સ્ટેશનરી કિટ્સ અને અભ્યાસ સામગ્રી પૂરી પાડવા માટે વાપરવામાં આવશે. એટલું જ નહીં, ભાગ લેનારા દોડવીરોને આ શૈક્ષણિક કિટ્સ પોતાના હાથે જ બાળકોને એનાયત કરવાની અનોખી તક પણ આપવામાં આવી હતી.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં જાણીતા ટેલિવિઝન એક્ટર ગૌરવ વાધવા (જેમણે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'યે હૈ મહોબ્બતેં' અને હાલમાં 'તુમ દેના સાથ મેરા' જેવી સિરિયલોમાં કામ કર્યું છે) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે પણ દોડમાં ભાગ લીધો હતો. મીડિયા સાથે વાત કરતા ગૌરવ વાધવાએ જણાવ્યું હતું કે, "અભ્યાસની સાથે સાથે રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ પણ બાળકોના ઘડતર માટે એટલી જ મહત્વની છે. 'માઇલ્સ એન માઇન્ડ્સ' એવા બાળકો માટે તકોના નવા દ્વાર ખોલી રહ્યું છે જેમનામાં અદભુત પ્રતિભા છે પરંતુ તેમને તક નથી મળતી."
સંસ્થાના ટ્રસ્ટી વિભા ગોયલ, ઇવેન્ટ ડિરેક્ટર રાશી વર્મા અને પ્રોજેક્ટ મેનેજર અન્વેષા દુબેએ જણાવ્યું હતું કે આ આયોજન માત્ર ફંડ એકત્ર કરવા પૂરતું સીમિત નથી પરંતુ શિક્ષણ અને સર્વાંગી વિકાસ દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. દોડવીરોનું દરેક પગલું આ બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય અને નવી આશાનું પ્રતીક બન્યું હતું.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
