<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ ઓનલાઈન કંપનીઓની મનમાની અને પડતર પ્રશ્નો મામલે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

'રોજગાર બચાવો આંદોલન' અંતર્ગત બપોરે 12 વાગ્યે મોટી સંખ્યામાં ડ્રાઇવરો એકત્ર થશે: ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરશે

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોના પડતર પ્રશ્નોને લઈને હવે વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે. લાંબા સમયથી વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો, આવેદનપત્રો અને વિરોધ પ્રદર્શનો કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવતાં ડ્રાઇવર સંગઠનોએ 'રોજગાર બચાવો આંદોલન' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ આંદોલન અંતર્ગત બુધવાર, 25 નવેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ RTO કચેરી ખાતે રિક્ષા અને ટેક્સી ચાલકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ન્યાયની માંગણી કરશે. ખાસ વાત એ છે કે આ વિરોધ કાર્યક્રમને અમદાવાદ સહિત ગુજરાતનાં 16 જેટલાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવર સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે.

રિક્ષા અને ટેક્સી ચાલકોના આગેવાનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવરો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓની કામગીરી અને તેના કારણે ડ્રાઇવરોને પડતી મુશ્કેલીઓ અંગે અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ મુદ્દે અગાઉ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં. અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રેસ અને મીડિયા માધ્યમો દ્વારા પણ ડ્રાઇવરોના પ્રશ્નો જાહેર જનતા અને સરકાર સમક્ષ પહોંચાડવાના પ્રયાસો થયા હતા.

આગેવાનોના દાવા મુજબ, ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓને નોટિસો આપવામાં આવ્યા બાદ પણ અપેક્ષિત કાર્યવાહી થઈ નથી. તંત્રને વારંવાર સમય આપવા છતાં પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ ન આવતાં હવે ડ્રાઇવરોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.

 

'રોજગાર બચાવો આંદોલન' અંતર્ગત 25 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ RTO કચેરી ખાતે વિરોધ અને રજૂઆત કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં રિક્ષા અને ટેક્સી યુનિયનોના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ડ્રાઇવરો જોડાવાના છે. પોતાના રોજગાર, હક અને અધિકારોના મુદ્દે એકસાથે અવાજ ઉઠાવી સંબંધિત તંત્ર સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવશે.

આયોજકોનો ઉદ્દેશ્ય લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા અને ડ્રાઇવરોની સમસ્યાઓ અંગે તંત્રનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

(1:04 AM IST)