તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ-સાણંદ જોડી દેશમાં પ્રથમઃ વડોદરા રાજ્યનું સૌથી સ્વચ્છ શહેર
૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની ‘સુપર સ્વચ્છતા લીગ' કેટેગરીમાં સુરત શહેરે સતત બીજા વર્ષે દેશમાં દ્વિતીય સ્થાન જાળવી રાખ્યું

નવી દિલ્હી/ગાંધીનગર,તા.૧૩: કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ ૨૦૨૫-૨૬'માં ગુજરાતના શહેરોએ ફરી એકવાર દેશભરમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે ગુજરાતના વિજેતા શહેરોના સત્તાધીશોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
આ સર્વેક્ષણમાં શહેરી કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘સ્વચ્છ શહેર જોડી' (મેન્ટર અને મેન્ટી સિટી) કેટેગરીમાં અમદાવાદ અને સાણંદે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ ઉપરાંત, ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની ‘સુપર સ્વચ્છતા લીગ' કેટેગરીમાં સુરત શહેરે સતત બીજા વર્ષે દેશમાં દ્વિતીય સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે વડોદરા મહાનગરને ગુજરાત રાજ્યના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
દિલ્હી ખાતેના આ સમારોહમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને સંબંધિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને આ સન્માન સ્વીકાર્યા હતા.રાજ્યની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા શહેરોના તંત્ર અને તમામ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં શરૂ કરેલા સ્વચ્છતાના જન આંદોલનને ગુજરાતે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આજે સ્વચ્છતા એ ગુજરાતના દરેક નાગરિકની જીવનશૈલી બની ગઈ છે. આ સાથે જ તેમણે સૌને સ્વચ્છ અને વિકસિત ગુજરાતના નિર્માણ તરફ વધુ તેજ ગતિએ આગળ વધવા આહવાન કર્યું હતું
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
