<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

અમદાવાદ વાસણા પોલીસને સફળતા :મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ સક્રિય : ત્રણ આરોપીઓ ઝડપાયા

આ ગેંગ રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા લોકોના સામાન કે કિંમતી વસ્તુઓની ચોરી કરતી: શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે શહેર કોટડા, વટવા અને કાગડાપીઠમાં ચોરી તથા લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા

અમદાવાદ :વાસણા પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવીને ચોરી કરતી એક સક્રિય ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે.

પોલીસ કમિશનરની સૂચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, વાસણા પોલીસના સ્ટાફને મળેલી ગુપ્ત બાતમી મુજબ, એક ઓટો રિક્ષામાં ત્રણ ઇસમો મુસાફરોની તલાશમાં ફરી રહ્યા હતા. આ ગેંગ રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા લોકોના સામાન કે કિંમતી વસ્તુઓની ચોરી કરતી હતી. પોલીસે સમયસૂચકતા દાખવી વાસણા બેરેજ રોડ પાસેથી આ રિક્ષાને અટકાવી હતી. તપાસ દરમિયાન પોલીસને રિક્ષામાંથી મોટી રકમ અને અન્ય પુરાવા મળી આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ હુસેન, મોહમ્મદ સમીર અને સંજય સોલંકીનો સમાવેશ થાય છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. અગાઉ પણ તેઓ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે શહેર કોટડા, વટવા અને કાગડાપીઠમાં ચોરી તથા લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે સી.એન.જી. ઓટો રિક્ષા અને રોકડ રકમ મળી કુલ 3,84,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ વાસણા પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં વાહન ચોરી અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:43 AM IST)