<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમદાવાદની ભદ્ર કોર્ટનો મોટો ચુકાદો, બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને 'જીવે ત્યાં સુધી આજીવન કેદ'

અમદાવાદની ભદ્ર કોર્ટે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા 60 વર્ષના નરાધમ દિલીપ વઢિયારીને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી :સાથે જ રૂ. 7 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદ શહેરમાં માસૂમ બાળકીઓ પર થતા અત્યાચારો સામે ન્યાયતંત્રએ ફરી એકવાર લાલ આંખ કરી છે. અમદાવાદની ભદ્ર સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 8 વર્ષની બાળકી સાથે હેવાનિયત આચરનારા 60 વર્ષના નરાધમ વૃદ્ધને જીવે ત્યાં સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો કડક હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ, આ શરમજનક ઘટના અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં બની હતી. અહીં રહેતી માત્ર 8 વર્ષની એક માસૂમ બાળકીને પડોશમાં રહેતા 60 વર્ષીય દિલીપ વઢિયારી નામના નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમે બાળકીની ભોળપણનો લાભ ઉઠાવી, તેને બિસ્કિટ આપવાની લાલચ આપી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે હિંમત દાખવી નરાધમ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

સરકારી વકીલની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખતા ભદ્ર કોર્ટે આરોપી દિલીપ વઢિયારીને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે ચુકાદો આપતા સાફ શબ્દોમાં જણાવ્યું કે, આવા નરાધમો સમાજ માટે કલંક છે, અને તેઓ કોઈ પણ પ્રકારની દયાને પાત્ર નથી. કોર્ટે આરોપીને "જીવે ત્યાં સુધીની આજીવન કેદ"ની કડક સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને રૂ. 1 લાખની પેનલ્ટી (દંડ) પણ ફટકારવામાં આવી છે.

કોર્ટે માસૂમ પીડિત બાળકીના માનસિક આઘાત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટો આદેશ કર્યો છે. ભદ્ર કોર્ટે પીડિતાને આર્થિક સહાય અને ન્યાયના ભાગરૂપે રૂ. 7 લાખનું વળતર ચૂકવવાનો પણ સરકારને હુકમ કર્યો છે. ન્યાયતંત્રના આ કડક વલણની લોકો પ્રશંસા કરી રહ્યા છે, અને આ ચુકાદાથી સમાજમાં વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જશે.

(9:04 PM IST)