News of Tuesday, 15th September 2026
અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’નો અઢી કરોડના ખર્ચે કાયાકલ્પ : નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ સાથે ત્રણ માળનું અદ્યતન ભવન તૈયાર
જેલર અને કેદીની યુનિક થીમ, કેદીઓ દ્વારા બનાવાતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિ દર્શાવતું વિશેષ મ્યુઝિયમ બનશે આકર્ષણનું કેન્દ્ર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય ‘જેલ ભજિયા હાઉસ’નો કાયાકલ્પ થઈ ગયો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને રૂ. અઢી કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન બનાવી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાના આરે છે.
આ નવપ્રકલ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં રહેલા કૌશલ્યને પ્રોત્સાહન આપી સમાજમાં તેમના સુધારણા અને પુનર્વસન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.
ત્રણ માળના અદ્યતન ભવનની વિશેષતાઓ:
* ગ્રાઉન્ડ ફ્લોર: ગ્રાઉન્ડ ફ્લોર પર પરંપરાગત સ્વાદિષ્ટ ભજિયા અને અન્ય ફરસાણના વેચાણ માટે કાઉન્ટર તથા સેલરૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મુલાકાતીઓ ગરમા-ગરમ ભજિયાનો આનંદ માણી શકે તે માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
* પ્રથમ માળ: પ્રથમ માળે અદ્યતન ડાઇનિંગ એરિયા તૈયાર કરાયો છે, જ્યાં જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિશેષ ‘ગાંધી થાળી’ સાત્વિક ભોજન સ્વરૂપે પીરસવામાં આવશે, જે ગ્રાહકો માટે મુખ્ય આકર્ષણ બની રહેશે.
* બીજો માળ: બીજા માળે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આઝાદીના આંદોલન સમયે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ રહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમય અને સ્મૃતિઓને જીવંત કરતી ફોટો ગેલેરી તૈયાર કરાઈ છે.
નવનિર્મિત ભવનમાં ગ્રાહકો માટે ‘જેલર અને કેદી’ની યુનિક થીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં જેલ પ્રશાસનના વાતાવરણ વચ્ચે મુલાકાતીઓ ભોજન અને ઇતિહાસ બંનેનો અનોખો અનુભવ મેળવી શકશે. અમદાવાદના ફૂડ કલ્ચરનો અભિન્ન અંગ બની ચૂકેલા ‘જેલ ભજિયા હાઉસ’નું ટર્નઓવર પણ અગાઉથી જ અત્યંત નોંધપાત્ર રહ્યું છે, ત્યારે આ નવો અવતાર પ્રવાસીઓ માટે વિશેષ નજરાણું સાબિત થશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
