તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં દુર્ઘટના B-બ્લોકમાં અચાનક સ્લેબનો ભાગ ધરાશાયી:એક વિદ્યાર્થી ઘાયલ
સ્લેબનો કાટમાળ વિદ્યાર્થીની પીઠ પર પડતા તે નીચે દબાઈ ગયો:આસપાસના રૂમના વિદ્યાર્થીઓ દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાયો

અમદાવાદની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્ટેલના B-બ્લોકમાં અચાનક સ્લેબનો ભાગ ધરાશાયી થતા રૂમમાં હાજર વિદ્યાર્થી દબાયો હતો, જેને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જર્જરિત ઇમારતોને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં હોવાની બૂમો ફરી એકવાર ઉઠી છે.
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના B-બ્લોકમાં એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી પોતાના રૂમમાં હતો ત્યારે અચાનક છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબનો કાટમાળ વિદ્યાર્થીની પીઠ પર પડતા તે નીચે દબાઈ ગયો હતો. અવાજ સાંભળીને આસપાસના રૂમના વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક બહાર કાઢ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ હોસ્ટેલ સત્તાધીશો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્ટેલના રેક્ટર સમય પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને રાત્રે જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના જરૂરી એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યા છે. સદનસીબે, હાલ વિદ્યાર્થીની હાલત સ્થિર અને નોર્મલ જણાવવામાં આવી રહી છે. જોકે, આ ઘટનાએ સરકારી હોસ્ટેલોની મજબૂતી અને સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
હોસ્ટેલ પ્રશાસન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે હોસ્ટેલની ઇમારતો જર્જરિત હાલતમાં છે. રેક્ટરના જણાવ્યા મુજબ, હોસ્ટેલના જર્જરિત બ્લોક્સ અંગે સિવિલ વિભાગને અગાઉથી જાણ કરવામાં આવી છે. પરંતુ સરકારી કામકાજની ધીમી ગતિને કારણે સમારકામ કે પુનઃનિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. જે બ્લોક્સ વધુ પડતા જોખમી હતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ જૂની ઇમારતોમાં રહેવા મજબૂર છે.
હાલમાં એલ.ડી. એન્જિનિયરિંગની હોસ્ટેલમાં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર એન્જિનિયરિંગ શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે બીજી તરફ ભવિષ્યના એન્જિનિયરો જર્જરિત છત નીચે સૂવા મજબૂર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા સરકાર આ મામલે ગંભીરતા દાખવી હોસ્ટેલનું યુદ્ધના ધોરણે સમારકામ કરાવે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
