<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વાહન ચાલકને ડ્રાઇવિંગ લાઈસન્‍સ આપવું કે નહીં તે આરટીઓમાં એઆઇ થકી નક્કી થશે

હાલ અરવલ્‍લીમાં મોડાસા ખાતે પાઇલટ પ્રોજેક્‍ટ તરીકે લાઈસન્‍સ માટે એઆઇનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્‍યો છે : બે મહિનામાં આરટીઓમાં એઆઇ પદ્ધતિ લાગુ કરાશેઃ મંત્રી પ્રવીણ માળી

અમદાવાદ તા.૨૦: રાજ્‍યની તમામ આરટીઓમાં વાહન ચાલકોને ડ્રાઇવિગ લાઈસન્‍સ આપવા માટેની સમગ્ર પધ્‍ધતિમાં તબક્કાવાર એઆઇ (આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ)નો ઉપયોગ શરૂ કરવામાં આવશે. હાલ અરવલ્‍લીમાં મોડાસા ખાતે પાઇલટ પ્રોજેક્‍ટ તરીકે લાઈસન્‍સ માટે એઆઇનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.  આગામી બે મહિનામાં ૩૦ જેટલા આરટીઓમાં એઆઇ પધ્‍ધતિ લાગુ કરવામાં આવે તે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્‍ય કક્ષાના વાહન વ્‍યવહાર મંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે એઆઇ લાગુ થયા બાદ વાહન ચાલકોને બિનજરૂરી હાલાકી દૂર થશે.

રાજ્‍ય સરકાર તમામ વિભાગોમાં જે બાબતો એઆઇ થકી શક્‍ય હોય તે લાગુ કરવા જઇ રહી છે તેમાં વાહન વ્‍યવહાર વિભાગે લાઈસન્‍સ આપવાની સમગ્ર પધ્‍ધતિ જ એઆઇ થકી સરળ રીતે થાય તેવી પહેલ હાથ ધરી છે. મંત્રી પ્રવીણ માળીના જણાવ્‍યા મુજબ વાહન ચાલક ડ્રાઇવિગ લાઈસન્‍સ આપવાની પરીક્ષામાં પાસ થયો છે કે ફેઇલ તે એઆઇ જ નક્કી કરશે તેના કારણે કોઇપણ સ્‍થળે ગેરરીતિ થવાની શક્‍યતા રહેશે નહીં. એઆઇ થકી વાહન ચાલક ફાઇનલ ટેસ્‍ટ આપશે તે પહેલા વાહન ચાલકને એક મોક ટેસ્‍ટ આપવાની પ્રેકટિસ આરટીઓ કચેરીમાં કરાવવામાં આવશે જેથી તે એઆઇના ટેસ્‍ટથી પરિચિત થઇ શકે. આ મોક ટેસ્‍ટ દરમિયાન જ વાહન ચાલકનો ફોટો પાડવામાં આવશે અને તે ફોટાના આધારે જ એઆઇ થકી વાહન ચાલકને ડ્રાઇવિગ લાઈસન્‍સના ટ્રેકમાં પ્રવેશ મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે જો કોઇપણ સ્‍થળે વાહન ચાલકની ચૂક થશે તો એઆઇ તેની ખામી નોંધી લેશે અને તેના આધારે તેને લાઈસન્‍સ મળવાપાત્ર છે કે નહીં તે નક્કી કરશે. વાહન ચાલક પોતે કયા સ્‍થળે ભૂલ કરી છે તે પણ વીડિયોમાં જોઇ શકશે. તેના કારણે કોઇપણ કર્મચારી કે એજન્‍ટ પૈસા આપીને પાસ કરાવવાની ગેરરીતિ કરી શકશે નહીં અને ભ્રષ્ટાચારને કોઇ અવકાશ રહેશે નહીં. 

(10:12 AM IST)