તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
અમદાવાદમાં દિવાળી સમયે અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક 200ના ગંભીર સ્તરને પાર કરી ગયો
સોલા જેવા વિસ્તારોમાં AQI 220 સુધી પહોંચી ગયો જે અત્યંત ગંભીર :હજુ સ્થિતિ વધુ કથળે તેવી આશંકા: દિવાળીની રાત્રે ફટાકડા ફોડશે તેનાથી હવાનું પ્રદૂષણ વધુ ખતરનાક સ્તરે પહોંચે તેવી શક્યતા

અમદાવાદમાં દિવાળી સમયે શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 200ના ગંભીર સ્તરને પાર કરી ગયો છે. શહેરનો સરેરાશ AQI 176 નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. ખાસ કરીને સોલા જેવા વિસ્તારોમાં તો AQI 220 સુધી પહોંચી ગયો હતો, જે અત્યંત ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. હજુ આ પરિસ્થિતિ વધુ કથળે તેવી પણ આશંકા છે. કારણ કે આ આંકડા દિવાળીની આતિશબાજી પહેલાના છે. દિવાળીની રાત્રે લોકો જે ફટાકડા ફોડશે તેનાથી હવાનું પ્રદૂષણ વધુ ખતરનાક સ્તરે પહોંચે તેવી પુરી શક્યતા છે.
હવાનું આ પ્રકારનું પ્રદૂષણ નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને શ્વસનતંત્ર વધુ સંવેદનશીલ હોય છે. ડોકટરો દ્વારા આ પરિસ્થિતિમાં વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, પ્રદૂષિત હવાના સીધા સંપર્કથી બચવા અને બહાર નીકળતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. શક્ય હોય તો પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોય તેવી જગ્યાઓએ જવાનું સૂચન પણ કરાયું છે, જેથી ધુમાડા અને હાનિકારક કણો શ્વાસમાં જવાનું પ્રમાણ ઘટાડી શકાય. ફટાકડાનો આનંદ ક્ષણિક હોય છે, પરંતુ તેનાથી થતું પ્રદૂષણ લાંબા સમય સુધી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
