News of Friday, 24th July 2026
નદી કિનારાના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ હવે વડોદરાનો વારોઃ ૨૪ કલાકમાં ૮ ઈંચ વરસાદઃ વિશ્વામિત્રીની સપાટી ૧૨.૫ ફૂટે પહોંચી
મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા

વડોદરા, તા.૨૪: વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી શરૂ થયેલા મેઘમહેર વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક ૮ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો બીજી તરફ વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીરનું આગમન થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે.
ઉપરવાસમાં અને શહેરમાં સતત પડી રહેલા અનરાધાર વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેને કારણે નદીનું જળસ્તર ઝડપથી વધીને ૧૨.૫ ફૂટે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ૨૬ ફૂટની છે. હાલમાં નદી ભયજનક સપાટીથી અડધા સ્તરે (૧૨.૫ ફૂટ) વહી રહી હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હાલમાં આજવા ડેમ તેમજ હાલોલ અને પાવાગઢના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જો ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવશે અથવા કુદરતી રીતે જળ-વાહ વિશ્વામિત્રીમાં ઠલવાશે, તો આગામી કલાકોમાં નદીની નીચાણવાળી સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરતી શકયતાઓ સેવાઈ રહી છે.
વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં એલેર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર નિયંત્રણ કક્ષ દ્વારા વિશ્વામિત્રીની સપાટી પર ૨૪ કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે.શહેરમાં સતત વરસતા વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો આગામી સમયમાં પણ વરસાદનું જોર આવું જ રહેશે, તો તંત્ર માટે પાણીના નિકાલની કામગીરી વધુ પડકારજનક બની શકે છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
