<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ફાર્મસી કોર્સમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એલર્ટ: ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની મહત્વની માર્ગદર્શિકા જાહેર : પ્રવેશ પહેલા PCI માન્યતા ચકાસવી ફરજિયાત

અમાન્ય બોર્ડ, બિન-માન્યતા પ્રાપ્ત કોલેજ કે વધારાની બેઠક પર પ્રવેશ લેનારને રજીસ્ટ્રેશન નહીં મળે : 12 સાયન્સ PCBM ફરજિયાત : માન્ય કોલેજોની યાદી http://www.pci.nic.in પર ઉપલબ્ધ

અમદાવાદ, તા. 16 : ધોરણ-12 સાયન્સના પરિણામો બાદ ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટેની દોડ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કાઉન્સિલે સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રવેશ લેતા પહેલા તમામ નિયમોની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે.

ફાર્મસી અધિનિયમ 1948ની જોગવાઈઓ મુજબ,ડિપ્લોમા-ઇન-ફાર્મસી http://D.Pharm અથવા બેચલર ઓફ ફાર્મસી http://B.Pharmમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-12 સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ. 

12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સવિષયો ફરજિયાત છે. 

કાઉન્સિલે ખાસ નોંધ્યું છે કે જો વિદ્યાર્થી કોઈ અમાન્ય બોર્ડમાંથી 12 પાસ કરીને પ્રવેશ લેશે તો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ તેને ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન મળવાપાત્ર રહેશે નહીં.

1. PCI માન્યતા: ગુજરાત કે ગુજરાત બહારની કોઈપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલા તે સંસ્થાને 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા - PCI'* દ્વારા યોગ્ય માન્યતા મળી છે કે કેમ તેની અચૂક ચકાસણી કરો.

2.  મંજૂર બેઠકો: જે-તે કોલેજમાં કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવેલી બેઠકોની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોય તો તે પણ અમાન્ય ગણાશે.

3. પરીક્ષા ઓથોરિટી: જે સંસ્થાની પરીક્ષા લેતી ઓથોરિટીને PCIની મંજૂરી ન હોય ત્યાં પ્રવેશ ન લો.

 

ઉપરોક્ત ત્રણમાંથી કોઈપણ શરતનું ઉલ્લંઘન થશે તો વિદ્યાર્થીને ફાર્મસીસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન મળશે નહીં અને તેનો અભ્યાસ નકામો જશે.

 

ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ફાર્મસી કોલેજોની અધિકૃત યાદી કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ www.pci.nic.in પર ઉપલબ્ધ છે.

 

વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ *ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ, જુની નર્સિંગ કોલેજ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, બ્લોક નં. 4/એ, ત્રીજો માળ, કેન્સર હોસ્પિટલ સામે, ગેટ નં. 6, અસારવા, અમદાવાદ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે.

 

(4:12 PM IST)