તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ૧૧ વોર્ડના તમામ ૪૪ ઉમેદવારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લીધો 'જનસેવા સંકલ્પ'
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ શહેરના સર્વાંગી વિકાસ, પંચનિષ્ઠા અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની ઉમેદવારોએ વ્યક્ત કરી કટિબદ્ધતા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૨૮ : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ૧૧ વોર્ડના તમામ ૪૪ ઉમેદવારોએ એકસાથે ‘જનસેવા સંકલ્પ‘ લીધો હતો.
વિધાનસભા સંકુલ સામે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભાજપના તમામ ઉમેદવારોએ નાગરિકોના હિતને સર્વોપરી રાખીને શહેરના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌ ઉમેદવારોએ નાગરિક કર્તવ્ય, બંધારણ અને નિયમોનું અનુસરણ કરવાની સાથે પંડિત દીનદયાળના એકાત્મ માનવદર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
ઉમેદવારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ તથા ભારતીય સંસ્કૃતિની વિચારધારાને આગળ ધપાવવા તેમજ ‘વિકસિત ભારત’ અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા મન, કર્મ અને વચનથી તત્પર રહેવાના શપથ લીધા હતા. આ ઉપરાંત ‘નાગરિક દેવો ભવઃ’ અને ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને ચૂંટણી પ્રભારી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મંત્રી અને પ્રભારી નીરવભાઈ અમીન, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા અલ્પેશભાઈ ઠાકોર, ચૂંટણી ઇન્ચાર્જ અમિતભાઈ શાહ અને સહ ઇન્ચાર્જ જતીનભાઈ પટેલ સહિતના પક્ષના ઉચ્ચ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
