<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ડિજિટલ પોર્ટલથી નાગરિકોને આપવામાં આવતા તમામ ઈ-પ્રમાણપત્રો અને દાખલાઓ પર હવે ફરજિયાત દર્શાવવામાં આવશે સક્ષમ સત્તાધિકારીના ગોળ સિક્કા : અરજદારોની મુશ્કેલીઓ દૂર કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્ત્વનો પરિપત્ર જારી

સુગમ ડિજિટલ ગુજરાત ૨.૦ હેઠળ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શી અને કાગળવિહીન બનાવવા GPR-BPR સુધારણા હાથ ધરાઈ : જારી કરાયેલા આ આદેશથી સબંધીત કચેરીઓમાં રૂબરૂ જવાની જરૂરિયાત થશે નાબૂદ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર -રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સૌથી વધારે જરૂર પડતી અને હાઈ-ટ્રાન્ઝેક્શન ધરાવતી સરકારી સેવાઓની પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શી તેમજ કાગળવિહીન બનાવવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દિશામાં રાજ્યવ્યાપી ગવર્નમેન્ટ પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ (BPR) ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ GPR-BPR પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય "Digital-by-Default" ના માળખા હેઠળ સેવા વિતરણની સમગ્ર પ્રક્રિયાને એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સ્વરૂપ આપીને ડિજિટલ ગુજરાત ૨.૦ સાથે સંકલિત કરવાનો છે. આ અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર (પરિપત્ર ક્રમાંક: GAD/All/e-file/1/2025/6677/ARTD2) જારી કરવામાં આવ્યો છે, જેમાં સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે પૂરા પાડવામાં આવતા ઈ-પ્રમાણપત્રો અને દાખલાઓ પર સક્ષમ સત્તાધિકારીના ગોળ સિક્કા (Round Seal) દર્શાવવા અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.

પરિપત્રની મુખ્ય વિશેષતાઓ અને પૃષ્ઠભૂમિ:
અગાઉ સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી આપવામાં આવતા ઈ-પ્રમાણપત્રોમાં પ્રમાણપત્ર આપનાર અધિકારીના ગોળ સિક્કા દર્શાવવામાં આવતા ન હતા, જેના કારણે અરજદારોને સંબંધિત કચેરીઓમાં રૂબરૂ જઈને સિક્કા કરાવવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થતી હતી અને તેના લીધે કામગીરીમાં વિલંબ પણ થતો હતો. આ વહીવટી અડચણોને દૂર કરવા અને પ્રક્રિયાને વધુ સ્પષ્ટ, સ્વચાલિત તથા ક્ષતિરહિત બનાવવા માટે GPR-BPR સુધારણા અંતર્ગત ઈ-પ્રમાણપત્ર પર જ પ્રમાણપત્ર મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી (Issuing Authority) ની કચેરીની સંપૂર્ણ વિગતો સાથેનો ગોળ સિક્કો દર્શાવવો જરૂરી જણાતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણાયક પગલું ભરાયું છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા હાથ ધરાનારી ટેકનિકલ કાર્યવાહી:
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્ર અનુસાર નીચે મુજબની કડક અમલીકરણ સૂચનાઓ આપવામાં આવી છે:
 * ડિજિટલ પોર્ટલ પરથી આપવામાં આવતી તમામ સેવાઓ અંતર્ગત આપવામાં આવતા પ્રમાણપત્રો અને દાખલાઓ પર તે આપનાર સત્તાધિકારીના ગોળ સિક્કા પ્રવર્તમાન કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર દર્શાવવા આવશ્યક રહેશે.
 * ડિજિટલ પોર્ટલ પરની તમામ સેવાઓ અંતર્ગત પ્રમાણપત્રો પર ગોળ સિક્કા દર્શાવવા બાબતે સંબંધિત વિભાગ દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પરામર્શમાં રહીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
 * સંબંધિત વિભાગ દ્વારા આવશ્યક કાર્યવાહી પૂરી કર્યા બાદ, ડિજિટલ પોર્ટલ પરની તમામ સેવાઓના પ્રમાણપત્રો પર ગોળ સિક્કા દર્શાવવા માટે જરૂરી ડેવલપમેન્ટ પૂર્ણ કરી સિસ્ટમમાં તેનો પ્રત્યક્ષ અમલ કરવા માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા જરૂરી ટેકનિકલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે, સામાન્ય વહીવટ વિભાગના સરકારના ઉપ સચિવ મહેન્દ્ર એસ. ચાવડાની સહીથી આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ આદેશની નકલો રાજભવનના રાજ્યપાલના સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તથા સલાહકાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, અધિક અગ્ર સચિવ તથા સચિવ, નાયબ મુખ્યમંત્રીના સચિવ, સર્વે મંત્રીઓ તથા રાજ્યકક્ષના મંત્રીઓના અંગત સચિવો, વિરોધ પક્ષના નેતાના અંગત સચિવ, મુખ્ય સચિવના અધિક સચિવ, સચિવાલયના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો તથા સચિવો, આઈ.સી.ટી અને ઈ-ગવર્નન્સની કચેરીના નિયામક તેમજ રાજ્યભરના તમામ કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તરફ યોગ્ય કાર્યવાહી અને જાણ માટે મોકલી આપવામાં આવી છે.

(9:25 PM IST)