<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' પરથી દોડશે, ભાડું ઘટીને ₹336 થયું; 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' પર પણ નવી વોલ્વો સેવા શરૂ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં GSRTCનો નિર્ણય, રોજની 24 ટ્રીપો નવા રૂટ પર દોડશે, ગાંધીનગર-દીવ અને ગાંધીનગર-મહુવા રૂટ પણ ધોલેરા હાઇવે પર ખસેડાયા, નહેરુનગરથી સુરત નોનસ્ટોપ વોલ્વોમાં ₹61ની બચત

અમદાવાદ, તા. 18  : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' ઉપરથી સંચાલિત કરવામાં આવશે.

 

 

ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર 24 ટ્રીપો

 

 

આ નવીન વ્યવસ્થા હેઠળ, અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ 24 ટ્રીપો નવા હાઇવે પરથી દોડશે. આ સાથે ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે.

આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. 336 થશે. મુસાફરોને અંદાજે રૂ. 15 જેટલો ભાડા ઘટાડાનો સીધો લાભ મળશે અને મુસાફરીના સમયમાં પણ બચત થશે.

 

 

 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર નવી વોલ્વો

 

 

આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા નવનિર્મિત 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સવારે 6:45 કલાકે નહેરુનગર (અમદાવાદ) થી સુરત અને બપોરે 1:00 કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે 'નોનસ્ટોપ વોલ્વો સર્વિસ' શરૂ કરવામાં આવી છે.

આ નવિન રૂટના કારણે નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. 687 નિયત કરાયું છે, જેનાથી મુસાફરોને અંદાજે રૂ. 61 જેટલો ફાયદો મળશે.

 

ઓનલાઈન બુકિંગ શરૂ

 

આ તમામ રૂટોનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ http://www.gsrtc.in તેમજ GSRTC મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp) ઉપરથી કરી શકાશે. એસ.ટી. નિગમ દ્વારા તમામ મુસાફર જનતાને આ આધુનિક અને સુવિધાજનક પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

 

 

(4:41 PM IST)