<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગુજરાત રાજ્યમાં રક્તપિત્ત નાબૂદી માટેના તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે સફળ રહ્યા, જેના પરિણામે દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો : વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

સમગ્ર આદિવાસી વિસ્તારમાં જ્યા કેસ જોવા મળ્યા તેવા તમામ વિસ્તારોમાં તમામ લોકોની સ્ક્રીનિંગ કામગીરી પૂર્ણ કરાઈ : જરૂરિયાતમંદ દર્દીને ખાસ પ્રકારના માઈક્રોસેલ્યુર રબ્બર શૂઝ (બૂટ) અને જરૂરિયાતમંદ દર્દીને અલ્સર કિટનું વિતરણ

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૧૦ : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા  રકતપિત્તગ્રસ્ત દર્દીઓને સારવાર ચાલુ હોય ત્યાં સુધી માસિક રૂા.૨,૦૦૦/- ની સહાય તેમજ જરૂરિયાતમંદ રકતપિતગ્રસ્ત દર્દીને પ્લાસ્ટીક સર્જરી કરાવે તો વેઝલોસ તરીકે રૂા.૧૨,૦૦૦/- ની રોકડ સહાય આપતી રાજ્ય સરકાર દર્દીઓની નિઃશુલ્ક નિદાન અને સારવાર, પ્લાસ્ટિક સર્જરી અને દર ૬ મહિને જરૂરિયાતમંદ દર્દીને ખાસ પ્રકારના માઈક્રોસેલ્યુર રબ્બર શૂઝ (બૂટ) અને જરૂરિયાતમંદ દર્દીને અલ્સર કિટનું વિતરણ પણ વિનામુલ્યે કરવામાં આવે છે. ગુજરાતમાં રક્તપિત્ત નાબૂદી માટેના તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેના પરિણામે જ રાજ્યમાં રક્તપિત્તના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

 

આરોગ્ય મંત્રી શ્રી પાનશેરિયાએ ગુજરાતમાં રક્તપિત્ત દર્દીઓની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૮૪-૮૫ માં દર ૧૦,૦૦૦ વ્યક્તિઓએ પ્રમાણદર ૨૧.૧ હતો. વર્ષ ૧૯૯૪-૯૫ માં ૩.૨૦, વર્ષ ૨૦૦૪-૦૫ માં ૦.૬૭, વર્ષ ૨૦૧૪-૧૫ માં ૦.૭૬ અને માહે જુલાઈ ૨૦૨૬ અંતિત સુધીમાં ઘટાડો થઈને ૦.૪૮ નોંધાયો છે. આમ, રાજ્યના ઘણા જિલ્લાઓમાં અગાઉના વર્ષો કરતાં રક્તપિત્તના પ્રમાણદરમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળેલ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ટ્રાયબલ એરિયામાં ૧૦૦૦૦ ની વસ્તીએ ૧ થી વધારે પ્રમાણદર મળી આવેલ છે. જે બાબત ધ્યાને લઇ દક્ષિણ ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં જ્યાં જ્યાં આ કેસો જોવા મળ્યા છે ત્યાં લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન તથા અન્ય કામગીરી કરાવીને વહેલામાં વહેલી તકે દર્દીઓને શોધી સારવાર હેઠળ મુકવામાં આવે છે.

 

મંત્રીશ્રીએ રોગના લક્ષણો અને સારવાર અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, 

રક્તપિત્તની કોઈ એક ચોક્કસ વેક્સિન નથી. રકતપિત્તના બેક્ટેરિયાનું શરીરમાં પ્રવેશવુ અને રોગના પ્રથમ ચિહ્ન દેખાવાના વચ્ચેના સમયગાળાને સંવનનકાળ (ઈન્કયુબેશન પિરીયડ) કહે છે. આ રોગનો સંવનનકાળ સામાન્ય રીતે ર થી પ વર્ષનો હોય છે પરંતુ ઘણા કિસ્સાઓમાં સંવનનકાળ ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધીનો પણ હોય શકે. આ રોગના લક્ષણો શરીરના કોઇપણ ભાગમાં આછું ઝાખુ રતાશ પડતુ સંવેદના વિનાનું ચાઠુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુખાવો થવો. રકતપિત્ત ચેપી અને બિનચેપી એમ બે પ્રકારના હોય છે. ચેપીમાં ૧ર માસની અને બિનચેપીમાં ૬ માસની બહુઔષધિય સારવાર (એમ.ડી.ટી) વિનામુલ્ય આપવામાં આવે છે. રકતપિત્તનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં વિનામુલ્યે આપવામાં આવે છે તેમ, મંત્રી શ્રી ગૃહમાં ઉમેર્યું હતું.

 

મંત્રીશ્રીએ ગૃહમાં ભૂતકાળની સ્થિતિ યાદ કરતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે રક્તપિત્ત થાય તેમને સમુદ્ર કિનારે કે અવાવરૂ જંગલોમાં છોડી આવવામાં આવતા હતા. આવી ક્રૂરતા વચ્ચે પણ સૌરાષ્ટ્રના પરબ ધામ (અમરમા) ખાતે સંત શ્રી દેવીદાસ અને શ્રી અમર દેવીદાસ દ્વારા રક્તપિત્તના દર્દીઓને આશ્રમમાં રાખીને તેમની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે આવા મહાન સંતોને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરી વંદન કર્યા હતા.

(3:37 PM IST)