News of Wednesday, 30th September 2026
રાજય સરકારના તમામ કર્મચારીઓને ૫૦ વર્ષની વયમર્યાદા બાદ ખાતાકીય પરીક્ષામાંથી મુકિત આપોઃ ફિકસ પગાર પ્રથા બંધ કરો
ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા મૂખ્યમંત્રીને રજૂઆતઃ અનેક પ્રશ્નો અંગે વિગતો આપી

રાજકોટ, તા.૩૦: ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિવિધ વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમના સમયસર નિરાકરણની માંગ કરવામાં આવી છે. સમિતિ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રશ્નોમાં ફિક્સ પગારની પ્રથા બંધ કરી હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ તારીખથી લાભ આપવા, કર્મચારીઓની નોકરીની સુરક્ષા અને સેવા સ્થિરતા અંગે યોગ્ય નીતિ બનાવવી તથા પદોન્નતિના સામયિક ધોરણે પાત્ર કર્મચારીઓને વિભાગવાર ખાલી પડેલી જગ્યાઓ પર નિયમો મુજબ બઢતી આપવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત વિવિધ કેડરમાં ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવી, કર્મચારીઓ ઉપરના વધારાના કામના બોજને ઘટાડવો, કર્મચારીઓના મળવાપાત્ર પગાર તથા અન્ય આર્થિક લાભો અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવું અને બિનસચિવાલય કર્મચારીઓના પગાર વિસંગતતાના પ્રશ્ને સમાન કામ, સમાન વેતનના ધોરણે યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.
સમિતિએ વિવિધ વિભાગોમાં કર્મચારીઓ ઉપર વધતા કામના ભારણને ધ્યાનમાં લઈને જરૂરી જગ્યાઓ ભરવા તેમજ કર્મચારીઓની સેવા સંબંધિત વિવિધ પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા પણ માંગ કરી છે. રજૂઆતમાં વધુમાં કર્મચારીઓને ૫૦ વર્ષની વયમર્યાદા બાદ ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ, ગાંધીનગરમાં આપવામાં આવતી રાહત દરની પ્લોટ યોજનાનો લાભ અન્ય કર્મચારીઓને આપવા, લાંબા સમયથી એક જ કેડર/ગ્રેડ-પેમાં રહેલા કર્મચારીઓને યોગ્ય લાભ આપવા અને સાતમા પગાર પંચના પગાર ધોરણો મુજબ કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરવા સહિતની માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રજૂઆતના અંતે કર્મચારી સંગઠનોએ જણાવ્યું છે કે લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ મુદ્દે આંદોલન કરવાની ફરજ પડી શકે છે. કર્મચારીઓના હિતમાં પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરી જરૂરી કાર્યવાહી કરવા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે. ફિક્સ પગાર પ્રથા અંગે લાભ, નોકરીની સુરક્ષા, સમયસર પદોન્નતિ, ખાલી જગ્યાઓની ભરતી, કામના ભારણમાં ઘટાડો, પગાર વિસંગતતા દૂર કરવી, ખાતાકીય પરીક્ષામાં રાહત અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો સમયસર નિકાલ મુખ્ય છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
