News of Saturday, 28th November 2026
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગનો આક્ષેપ: સિનિયરોની હેરાનગતિથી કંટાળી જુનિયર વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવાના વિવાદ બાદ અડધી રાત્રે રેગિંગ અને પાંચ કલાક ઊભા રખાયાનો આક્ષેપ; નેશનલ મેડિકલ કમિશનમાં ફરિયાદ બાદ એન્ટિ રેગિંગ કમિટીની બેઠક

વડોદરા : વડોદરા શહેરની GMERS મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા કથિત રેગિંગ અને માનસિક હેરાનગતિથી કંટાળીને એક જુનિયર વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાંથી નીચે કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેને સાથી વિદ્યાર્થીઓએ બચાવી લીધો હતો. થોડા દિવસ પહેલાં હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવા મુદ્દે થયેલા વિવાદ બાદ અડધી રાત્રે ગાળાગાળી અને રેગિંગની આ ઘટના બન્યાનું જાણવા મળ્યું છે, જે અંગે નેશનલ મેડિકલ કમિશનમાં ફરિયાદ નોંધાયા બાદ કોલેજમાં એન્ટિ રેગિંગ કમિટીની બેઠક મળી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને હોસ્ટેલના આઠમા માળે રૂમ નંબર 814માં બોલાવાયો હતો, જ્યાં અગાઉથી આઠ લોકો હાજર હતા અને માનસિક હેરાનગતિના કારણે તેણે આ પગલું ભર્યું હતું, જ્યારે રેગિંગમાં પાંચ લોકો મુખ્ય હોવાનો ખુલાસો પણ તેણે કર્યો હતો.
ભોગ બનેલા અન્ય જુનિયર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફટાકડા ફોડવામાં સિનિયરમાંથી કોઈ નહોતું તેવું સ્વીકારવા માટે દબાણ કરાયું હતું, માર મારવાની ધમકી અપાઈ હતી અને ઠંડીમાં શોર્ટ્સમાં બહાર બોલાવીને પાંચ કલાક સુધી ઊભા રાખી રેગિંગ કરાયું હતું.
આ સમગ્ર મામલે નેશનલ મેડિકલ કમિશનમાં ફરિયાદ થયા બાદ આજે કોલેજમાં યોજાયેલી એન્ટિ રેગિંગ કમિટીની બેઠકમાં રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની રજૂઆતો અને વ્યથા સાંભળવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા કથિત રેગિંગમાં સામેલ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે, જેના કારણે મેડિકલ કોલેજ અને હોસ્ટેલ પરિસરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
હવે એન્ટિ રેગિંગ કમિટીની તપાસ, નેશનલ મેડિકલ કમિશનની સંભવિત કાર્યવાહી અને દોષિતો સામે લેવાનારા કડક પગલાં પર સૌની નજર રહેશે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
