તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
રાજપીપળાના વોર્ડ નં-૧ કાછીયા વાડની વાડીમાં ડમી વોટિંગ થયું હોવાના આક્ષેપ બાદ મતદારોમાં હોબાળો
ઘટનાની જાણ થતાં જ મતદાન મથકે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 દરમિયાન વોર્ડ નં-1 ના કાછીયા વાડ વિસ્તારમાં આવેલ મતદાન મથકે 'ડમી વોટિંગ' થયાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચ્યો હતો.
મળતી માહિતી મુજબ, કસ્બા વાડ વિસ્તારના રહેવાસી સમીમ બાનુ મોઈનભાઈ સોલંકી મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનો મત કોઈકે અગાઉથી જ આપી દેવાયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મતદાન મથકે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી.
ચૂંટણી તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક મતદારોએ ચૂંટણી નિરીક્ષક અને ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મતદારોનો આક્ષેપ છે કે બોગસ વોટિંગ રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
હોબાળાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ચૂંટણીના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ મામલો થાળે પાડીને સમીમ બાનુનું નિવેદન નોંધ્યું છે.
આ મામલે હજુ સુધી ચૂંટણી પંચ કે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ટેન્ડર વોટ ની પ્રક્રિયા હાથ ધરીને સમીમ બાનુને મતદાન કરવા દેવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે *IHR - International Human Rights ના ગુજરાત પ્રમુખ ઇરફાન ખાન બાલુચી એ જણાવ્યું કે, મતદારનો મત એ તેનો બંધારણીય અધિકાર છે. ડમી વોટિંગ જેવી ઘટના લોકશાહી માટે કલંકરૂપ છે. ચૂંટણી પંચે આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. દરેક મતદાન મથકે વિડીયોગ્રાફી થાય એ જરૂરી છે.
આ અહેવાલ સ્થાનિક સૂત્રો અને મતદારો દ્વારા મળેલી પ્રાથમિક માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આક્ષેપોની પુષ્ટિ ચૂંટણી પંચની તપાસ બાદ જ થશે. કોઈપણ અફવાથી દૂર રહેવા અને શાંતિ જાળવવા IHR દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
