<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન EVM લૂંટના આક્ષેપથી સનસનાટી

મતદાન દરમિયાન ઉમેદવારોનો હોબાળો : પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં ખસેડાયા; તંત્રએ આક્ષેપો ફગાવ્યા

ધંધુકા તા.૨૭ :  અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન EVM લૂંટના આક્ષેપોએ સનસનાટી મચાવી છે. મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકોએ EVM સાથે ચેડાં અને લૂંટના ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

 

મળતી માહિતી મુજબ, ધંધુકાની જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન દરમિયાન એક મતદાન મથકે હોબાળો થયો હતો. વિરોધ પક્ષના ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે મતદાન પૂર્ણ થયા બાદ EVM મશીન લઈ જતી વખતે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક થઈ હતી અને કેટલાક અસામાજિક તત્વોએ EVM લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારોએ તાત્કાલિક ફરી મતદાન કરાવવાની માગ સાથે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

 

જોકે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસે આ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ યોજાઈ હતી. તમામ EVM મશીનોને સીલ કરી સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ ખાતે થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા અને 24 કલાક CCTV મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું છે.

 

અમદાવાદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને EVM સંપૂર્ણ સુરક્ષિત છે. અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. હાલ મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નિર્ધારિત તારીખે મતગણતરી હાથ ધરાશે.

(3:59 PM IST)