News of Wednesday, 16th September 2026
નાની બેડવણમાં એક્સપાયર્ડ લોટના આક્ષેપોથી ખળભળાટ: તંત્રની તપાસ સામે જ ગંભીર સવાલો!
ફરિયાદમાં રજૂ કરાયેલા લોટનું સેમ્પલ કેમ ન લેવાયું? ફ્રેશ પેકિંગના લોટનું સેમ્પલ લેવાના આક્ષેપથી વિવાદ:ગરીબોના આરોગ્ય સાથે રમત? એક્સપાયર્ડ લોટના આક્ષેપ છતાં દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

( ભરત શાહ દ્વારા )નર્મદા:ચીકદા તાલુકાના નાની બેડવણ ગામે આવેલી ચિંતન ટ્રેડર્સ દુકાનમાંથી ગ્રાહકને એક્સપાયર્ડ તારીખ વાળો ઘઉંનો લોટ આપવામાં આવ્યો હોવાના આક્ષેપે ચકચાર મચાવી છે. મામલો માત્ર એક્સપાયર્ડ લોટના વેચાણ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ ફરિયાદ બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસની પ્રક્રિયા સામે પણ અરજદાર દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
અરજદાર કાળુભાઈ પટેલના જણાવ્યા મુજબ, એક્સપાયર્ડ લોટનું પેકેટ તેમની પાસે હતું અને તેમણે આ અંગે ચીકદા તાલુકા મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી. મામલતદાર કચેરી દ્વારા ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલવામાં આવ્યા બાદ અધિકારીઓએ દુકાન પર તપાસ કરી હોવાનું જણાવાયું છે.પરંતુ હવે સવાલ એ છે કે ફરિયાદ જે લોટના પેકેટને લઈને કરવામાં આવી હતી, તપાસ દરમિયાન એ જ પેકેટનું સેમ્પલ લેવામાં આવ્યું હતું કે નહીં?
* ફરિયાદી ના લોટનો સેમ્પલ નહીં, તો પછી કોની તપાસ?
અરજદારનો સીધો આક્ષેપ છે કે જે લોટને એક્સપાયર્ડ હોવાનું જણાવી ફરિયાદ કરવામાં આવી હતી, તેનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જો આ આક્ષેપ સાચો હોય તો તપાસની પદ્ધતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
ફરિયાદનો મુખ્ય આધાર જ જો ચોક્કસ પેકેટની એક્સપાયરી ડેટ અને તેની ગુણવત્તા અંગે હોય, તો તપાસ દરમિયાન એ જ પેકેટની ચકાસણી કેમ ન કરવામાં આવી? તેની બેચ વિગતો, ઉત્પાદન તારીખ, એક્સપાયરી તારીખ અને અન્ય વિગતોનું સત્તાવાર દસ્તાવેજીકરણ થયું હતું કે નહીં? આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
* અધિકારીઓની હાજરીમાં ખુલ્લું અનાજ, છતાં કાર્યવાહી ક્યાં?
આક્ષેપો અહીં અટકતા નથી. અરજદારના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન દુકાનમાં ચોખા, વટાણા, ચણા, તુવેર સહિતની ખાદ્ય સામગ્રી ખુલ્લા કોથળામાં રાખવામાં આવી હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું. જો ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતા અંગે નિયમો લાગુ પડતા હોય, તો તપાસ દરમિયાન તેની પણ યોગ્ય નોંધ લેવામાં આવી હતી કે નહીં?
* શું ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજના સેમ્પલ લેવામાં આવ્યા?
શું સ્ટોકની ચકાસણી થઈ?
શું દુકાનદારને કોઈ નોટિસ આપવામાં આવી?
જો કાર્યવાહી થઈ હોય તો તેનો રિપોર્ટ ક્યાં છે? આ સવાલોના જવાબ જાહેર થવા જરૂરી છે.
ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે અત્યંત મહત્વનું છે. એક્સપાયર્ડ ખાદ્ય સામગ્રીના વેચાણ અંગેની ફરિયાદ હોય ત્યારે માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતી નથી; ફરિયાદમાં દર્શાવાયેલા માલની હકીકત તપાસ સુધી પહોંચવી જરૂરી છે.
જો નિયમભંગ થયો હોય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો આક્ષેપ ખોટા સાબિત થાય તો તે બાબત પણ તંત્રએ સ્પષ્ટ કરવી જોઈએ.
* ‘સેટિંગ’ની ચર્ચા વચ્ચે તંત્રએ પારદર્શિતા બતાવવી જરૂરી
ફરિયાદ બાદ અપેક્ષિત કાર્યવાહી ન થઈ હોવાના અરજદારના આક્ષેપોને કારણે સ્થાનિક સ્તરે તંત્ર અને દુકાનદાર વચ્ચેની સાંઠગાંઠ અંગે ચર્ચા શરૂ થઈ હોવાનું જણાવાય છે. જોકે આવા આક્ષેપોની સત્યતા સત્તાવાર તપાસ વિના નક્કી કરી શકાય નહીં.
પરંતુ એટલું ચોક્કસ છે કે તપાસની પ્રક્રિયા અંગે જો અરજદાર સવાલ ઉઠાવી રહ્યા હોય, તો સંબંધિત વિભાગે તપાસ કેવી રીતે થઈ તેની સ્પષ્ટ માહિતી આપવી જોઈએ.
નાની બેડવણના આ મામલે હવે મુદ્દો માત્ર એક લોટના પેકેટનો રહ્યો નથી. ફરિયાદ કેવી રીતે લેવામાં આવી, તપાસ કેવી રીતે થઈ અને સેમ્પલ કયા માલમાંથી લેવામાં આવ્યુ, આ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જ હવે સવાલોના કેન્દ્રમાં છે.
અરજદારના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરી હકીકત જાહેર કરવામાં આવે અને જો કોઈ નિયમભંગ સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખાદ્ય સુરક્ષાના મામલે ‘તપાસ થઈ’ એટલું કહેવું પૂરતું નથી, તપાસનું પરિણામ શું આવ્યું તે જનતાને જાણવાનો અધિકાર છે.
હવે જોવાનું એ રહ્યું કે નાની બેડવણના એક્સપાયર્ડ લોટના આક્ષેપમાં તંત્ર ખરેખર હકીકત બહાર લાવે છે કે પછી ફરિયાદ, તપાસ અને સવાલો વચ્ચે સમગ્ર મામલો ફાઇલોમાં જ દબાઈ જાય છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
