<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

RTE ના બીજા રાઉન્ડની પ્રક્રિયામાં કુલ 5,814 વિદ્યાર્થીઓને શાળાઓની ફાળવણી: 4 જૂન સુધીમાં પ્રવેશ લેવો જરૂરી

પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજુ પ્રોપર સ્કૂલ પસંદગીના અભાવે રાજ્યમાં 5,341 જેટલી બેઠકો ખાલી પડી

અમદાવાદ :ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ફ્રી પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રાઉન્ડમાં હજારો વિદ્યાર્થીઓને શાળાઓની ફાળવણી કરવામાં આવી છે, જેને પગલે લાંબા સમયથી રાહ જોઈ રહેલા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

RTE ના બીજા રાઉન્ડની આ પ્રક્રિયામાં કુલ 5,814 વિદ્યાર્થીઓને શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પોર્ટલ ઓપન કરાતાં મનપસંદ શાળા મેળવવા માટે કુલ 62,206 વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલ ચોઈસ બદલી અથવા અપડેટ કરી હતી. આ ભારે અદલાબદલી બાદ મેરિટ અને પસંદગીના આધારે લકી વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરાઈ છે.

બીજા રાઉન્ડની આટલી મોટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજુ પ્રોપર સ્કૂલ પસંદગીના અભાવે રાજ્યમાં 5,341 જેટલી બેઠકો ખાલી પડી છે. શિક્ષણ વિભાગના નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓને આ રાઉન્ડમાં સ્કૂલ એલોટ થઈ ગઈ છે, તેમણે આગામી 4 જૂન સુધીમાં જે-તે શાળાએ જઈને પોતાનો પ્રવેશ સત્તાવાર રીતે કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. જો નિયત સમયમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાજર નહીં થવાય, તો પ્રવેશ રદ થઈ શકે છે.

(1:08 PM IST)