તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ગાંધીનગર સિવિલના તબીબોની અદભુત કમાલ :પેટમાં આરપાર ઘૂસી ગયેલી લોખંડની પાઈપ કાઢી મહિલાને આપ્યું નવજીવન
માણસા હાઈવે પર બાપુ કોલેજ પાસે સર્જાયેલા અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતા અત્યંત નાજુક પરિસ્થિતિમાં આ જટિલ કામગીરીમાં તબીબોની ટીમે ભારે જહેમત ઉઠાવીને મહિલાને નવજીવન આપ્યુ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ એક અત્યંત જટિલ અને પડકારજનક ઓપરેશન પાર પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માણસા હાઈવે પર સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં 52 વર્ષીય મહિલાના પેટના ભાગે લોખંડની પાઈપ આરપાર ઘૂસી ગઈ હતી. અત્યંત નાજુક અને ગંભીર હાલતમાં સિવિલ લાવવામાં આવેલી આ મહિલાની સફળ સર્જરી કરીને તબીબોએ તેમને મોતના મુખમાંથી બહાર લાવવામાં સફળતા મેળવી છે.
વિગતો મુજબ, ગાંધીનગર-માણસા હાઈવે પર બાપુ કોલેજ પાસે એક કારને અકસ્માત નડ્યો હતો. આ કારની પેસેન્જર સીટ પર બેઠેલા મહિલાના શરીરમાં લોખંડની મેટલ પાઈપ જોરદાર ફટકા સાથે પેટના ભાગેથી આરપાર નીકળી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલા લોખંડની પાઈપ સાથે જ હોસ્પિટલ પહોંચ્યા હતા. લોહી વહી જવાની અને આંતરિક અંગોને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા
દર્દી સિવિલ હોસ્પિટલ પહોંચતા જ તબીબોની ટીમે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. મેડિકલ પ્રોટોકોલ મુજબ અત્યંત સાવચેતીપૂર્વક આ જટિલ સર્જરી હાથ ધરવામાં આવી હતી. તબીબોની વિશેષ ટીમે કલાકોની જહેમત બાદ મહિલાના પેટમાં ફસાયેલી લોખંડની પાઈપને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ઓપરેશન દરમિયાન દર્દીના મહત્વના અંગોને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. હાલ મહિલાની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને સિવિલના તબીબોની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
