<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

અંબાજી જતા ૧૨ પદયાત્રીઓને હિંમતનગર નજીક બેફામ સ્કોર્પિયો કારે હડફેટે લીધા : ૩ ની હાલત ગંભીર : ઉશ્કેરાયેલા ટોળાએ ચક્કાજામ કરી કારને ભડકે બાળી : જુઓ વિડીયો

દોલગઢ પાટિયા પાસે પદયાત્રીઓની લાઇનમાં કાર ઘૂસી જતાં અફરાતફરી : સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ ઘટનાસ્થળે પહોંચ્યા : ૧૨ ઈજાગ્રસ્તોના નામ જાહેર

હિંમતનગર:અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ સાથે હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો છે. બેફામ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કાર પદયાત્રીઓની લાઇનમાં ઘૂસી જતાં ૧૨ જેટલા પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ ઘટનામાં ૩ પદયાત્રીઓની હાલત અત્યંત ગંભીર દર્શાવાઈ રહી છે. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

રોષે ભરાયેલા ટોળાએ કારને ઘેરી આગ ચાંપી:
અકસ્માત સર્જીને કાર ચાલકે ઈજાગ્રસ્તોને ત્યજીને સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસના સ્થાનિકો અને અન્ય પદયાત્રીઓ તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને ભાગવા જઈ રહેલા કાર ચાલકને રોકીને કારને ચારેય તરફથી ઘેરી લીધી હતી. જનઆક્રોશ વધતાં ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઇવે પર ચક્કાજામ કરીને કારને આગ ચાંપી દીધી હતી, જેના કારણે કાર જોતજોતામાં ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. હાઇવે પર બનેલી આ ઘટનાથી થોડા સમય માટે વાહનવ્યવહાર પણ સ્થગિત થઈ ગયો હતો.

બચાવ કામગીરી અને જનપ્રતિનિધિઓની મુલાકાત:
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કાર્યમાં જોડાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ૧૨ પદયાત્રીઓની યાદી:
૧. દિલીપકુમાર સજ્જનસિંહ પટેલ (રહે. પંચમહાલ રોડરા)
૨. મહેશભાઈ મગનભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
૩. કાર્તિકકુમાર રતિલાલભાઈ સોલંકી (રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ)
૪. મોહનભાઈ રમણભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
૫. ચેતનાબેન મોહનભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
૬. સુનિલભાઈ નગીનભાઈ બારીયા (રહે. કણાજી પાણી, તાલુકો ઝાંબુઘોડા)
૭. વકતુભાઈ ગલબાભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
૮. મુકેશકુમાર નટવરભાઈ પટેલ (રહે. ધાણોતરા, તાલુકો ગોધરા)
૯. રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર (રહે. ધાણોતરા, તાલુકો ગોધરા)
૧૦. આશાબેન મહેશભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
૧૧. રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
૧૨. વિજયભાઈ ધીરુભાઈ પટેલ (રહે. ધાણોતરા, તાલુકો ગોધરા)

(9:38 PM IST)