હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિધાનસભામાં ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાયું
વર્તમાન સામાજિક-આર્થિક જરૂરિયાતો અને બિન-ખેતી ઉપયોગની મુશ્કેલીઓ નિવારવા અધિનિયમની કલમ ૫ અને ૯ માં સુધારો કરવા વટહુકમના સ્થાને કાયદો બનાવવાની તજવીજ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: આજે વિધાનસભામાં ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશો અને કારણો અંગે માહિતી આપતા રાજ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે આ વિધેયકથી સદરહુ વટહુકમના સ્થાને રાજ્ય વિધાનમંડળનો અધિનિયમ મૂકવા ધાર્યું છે.
ખેતીની કાર્યક્ષમતાનું રક્ષણ કરવા અને ખેતીની જમીનનું વ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવાના હેતુથી, ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવાની જોગવાઈ કરવાના ઉદ્દેશથી, ગુજરાતનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ, ૧૯૪૭ (સન ૧૯૪૭નો મુંબઈનો ૬૨મો) (જેનો આમાં હવે પછી, "અધિનિયમ" તરીકે ઉલ્લેખ કર્યો છે તે) અધિનિયમિત કરવામાં આવ્યો હતો.
આ અધિનિયમ સાત દાયકા કરતાં વધુ સમયથી અમલમાં છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓમાં, જમીનના ઉપયોગની પદ્ધતિઓમાં અને ખેતીના વ્યવસાયોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. આ વિકાસને ધ્યાનમાં લેતાં, તેના ઉદ્દેશો વર્તમાન સમયની જરૂરિયાતો સાથે સુસંગત રીતે સિદ્ધ થાય તે સુનિશ્ચિત કરવા અધિનિયમની અમુક જોગવાઈઓની સમીક્ષા કરવી જરૂરી બની છે.
શહેરી અને મ્યુનિસિપલ (નગરપાલિકા) વિસ્તારોના વિસ્તરણથી, આવા વિસ્તારો અને તેમની આસપાસ આવેલી ખેતીની જમીનોને, આવી જમીનોને બિન-ખેતીના ઉપયોગ માટે લાયક અને વધુ યોગ્ય બનાવવા માટે, વિકાસ યોજનાઓ હેઠળ રહેણાક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઝોનમાં સમાવવામાં આવી છે. આ બાબત હોવા છતાં, અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી આવી જમીનોની તબદિલીઓ અને વિભાજનોને કારણે જમીનના ટુકડા થયા છે. વૈધાનિક નિયંત્રણો અથવા હકપત્રકના પુરાવામાં દર્શાવેલા આવા વ્યવહારોને કારણે, સંબંધિત સમયે, અધિનિયમની જોગવાઈના ઉલ્લંઘન થવાને કારણે કબજેદારો બિન-ખેતીનો ઉપયોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ મેળવી શકતા નથી.
સદરહુ સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી, વર્તમાન સામાજિક-આર્થિક અને જમીનના ઉપયોગની વાસ્તવિકતાઓને પહોંચી વળવા અને રાજ્યની વિકાસલક્ષી જરૂરિયાતો સાથે ખેતીના હિતોનું સંતુલન જાળવવા માટે આ અધિનિયમની કલમ ૫ અને ૯ સુધારવાનું જરૂરી જણાયું છે.
ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી, ઉપર્યુક્ત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે, ગુજરાતનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ, ૧૯૪૭ સુધારવા, ગુજરાતનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વટહુકમ, ૨૦૨૬ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ વિધેયક દ્વારા હવે વટહુકમના સ્થાને રાજ્ય વિધાનમંડળનો કાયદો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
