<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

લોકશાહીના પર્વ પૂર્વે ડભોઈમાં ‘બળજબરી’નો હોબાળો : કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટા અને ગ્રામજનો સામસામે : જુઓ વિડીયો

તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય સંગ્રામ : ભાજપના ધારાસભ્ય અને તેમના પુત્ર સાથે ઉગ્ર ઝપાઝપી થતા મામલો ગરમાયો : સાઠોદ બેઠક પર ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ બોલાવવી પડી

 ડભોઈ: વડોદરા જિલ્લાના ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં આજે લોકશાહીના મૂલ્યો નેવે મૂકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડભોઈ તાલુકા પંચાયતની સાઠોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ સત્તાના જોરે અને ધાક-ધમકી આપી પરત ખેંચાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા) વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ હાઈવોલ્ટેજ ડ્રામાને પગલે તાલુકા પંચાયત કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ ધારાસભ્ય તેમજ તેમના પુત્રને ધક્કે ચડાવતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

 

 શું છે વિવાદનું મુખ્ય કારણ?

મળતી વિગતો અનુસાર, સાઠોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પાટણવાડિયાએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસનો આરોપ છે કે ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમનો પુત્ર સત્તાના જોરે ધાક-ધમકી આપીને અરવિંદભાઈનું ફોર્મ જબરજસ્તીથી પરત ખેંચાવવા માટે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. આ વાતની જાણ થતા જ ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત સાઠોદ ગામના મોટી સંખ્યામાં રહીશો અને કાર્યકરો કચેરીએ ધસી આવ્યા હતા અને ભાજપની રણનીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 ધારાસભ્ય અને પુત્રને ટોળાએ ધક્કે ચડાવ્યા:

તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનો અને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને અફરાતફરીના માહોલ વચ્ચે ધારાસભ્ય શૈલેષ સોટા તથા તેમના પુત્રને ધક્કે ચડાવ્યા હતા. અંદાજે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચાલેલા આ હંગામામાં કચેરીમાં ભારે અંધાધૂંધી વ્યાપી ગઈ હતી. રાજકીય પ્રતિષ્ઠાનો જંગ હવે વ્યક્તિગત આક્ષેપો અને ઘર્ષણ સુધી પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું.

 

 કોંગ્રેસના આક્ષેપો અને પોલીસ કાર્યવાહી:

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ પોતાના ઉમેદવારોને બિનહરીફ જીતાડવા માટે લોકશાહીની મર્યાદાઓ ઓળંગી રહ્યો છે અને વિપક્ષના ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા અનૈતિક દબાણ કરી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા ડભોઈ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

(4:03 PM IST)