તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ચૂંટણી પૂર્વે અમિત ચાવડાનો રાજકીય બોમ્બ: "AAP અને ભાજપ RSS ના ફંડથી ચાલે છે, ઝાડુને મત આપવો એટલે મત વેડફવો"
૭ સાંસદોના કેસરિયા બાદ કોંગ્રેસ આક્રમક; AAP ને ભાજપની 'B ટીમ' ગણાવી મતદારોને છેતરાવા સામે કર્યા સાવધ, લોકશાહીને કલંકિત કરવાનો આક્ષેપ

ગાંધીનગર: ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ પર અત્યાર સુધીના સૌથી ગંભીર આક્ષેપો કર્યા છે. ચાવડાએ દાવો કર્યો છે કે AAP એ માત્ર ભાજપની 'B ટીમ' છે અને બંને પક્ષો વચ્ચે પડદા પાછળ સાંઠગાંઠ ચાલી રહી છે.
અમિત ચાવડાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "ભાજપ અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના સાચા વિરોધી હતા જ નહીં. આ બંને પક્ષો હકીકતમાં RSSના ફંડથી જ ચાલી રહ્યા છે અને જનતા સામે વિરોધી હોવાનું માત્ર નાટક કરી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૧૧-૧૩ના સમયગાળામાં થયેલા આંદોલનો એક સુઆયોજિત કાવતરું હતું, જેનો મુખ્ય હેતુ કોંગ્રેસના મતો તોડવા માટે 'આપ' જેવો પક્ષ ઉભો કરવાનો હતો.
૭ સાંસદોના પક્ષપલટા પર કર્યા પ્રહાર:
તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ૭ સાંસદો જે રીતે ભાજપમાં જોડાયા, તેને ટાંકીને ચાવડાએ મતદારોને ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, "ગઈકાલની ઘટનાએ બધું સ્પષ્ટ કરી દીધું છે. જો તમે AAPના ઉમેદવારને જીતાડશો, તો તેઓ અંતે તો ભાજપના ખોળામાં જ બેસી જશે. કોંગ્રેસ છેલ્લા ૧૨ વર્ષથી જે કહેતી હતી કે AAP એ ભાજપની રમત છે, તે આજે સાબિત થઈ ગયું છે."
મતદારોને અપીલ:
આવતીકાલના મતદાન અંગે જનતાને અપીલ કરતા ચાવડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર સામે લોકોમાં ભારે રોષ છે. જોકે, તેમણે મતદારોને લાલબત્તી ધરતા કહ્યું કે જો તમે આમ આદમી પાર્ટીને મત આપશો, તો તમારો કિંમતી મત વેડફાઈ જશે કારણ કે તેઓ આડકતરી રીતે ભાજપને જ સત્તામાં ટકાવી રાખવા માટે કામ કરી રહ્યા છે. ચૂંટણી પૂર્વેના આ વિસ્ફોટક નિવેદને ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. હવે રવિવારે મત પેટીમાં જનતા કોના પર કળશ ઢોળે છે તે જોવું રહ્યું.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
