<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા માત્ર એક ઈ-મેઈલથી ફરિયાદ નોંધાવતા જ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે સિડની સ્થિત NRI ને ₹૧૧ લાખ પરત અપાવ્યા

સોનું ખરીદવાના નામે અમરેલીના શખ્સે આચરેલી છેતરપિંડીનો ભોગ બનેલા દિલ્હી મૂળના સૌરભ જોલીની મહેનતની કમાણી પરત અપાવતી પોલીસ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ત્વરિત અને અસરકારક કામગીરી કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થાયી થયેલા એક બિન-નિવાસી ભારતીય (NRI) સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં અમરેલી પોલીસે પ્રશંસનીય અને ત્વરિત કામગીરી કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક ઈ-મેઈલ દ્વારા મળેલી ફરિયાદના આધારે અમરેલી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ગણતરીના દિવસોમાં કાર્યવાહી કરીને ફરિયાદીના ગુમાવેલા રૂ. ૧૧ લાખ પૂરેપૂરા પરત અપાવ્યા છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં વિદેશી નાગરિકને તેમની કમાણી પાછી મળતાં તેમણે ગુજરાત પોલીસની વ્યાવસાયિકતા અને કટિબદ્ધતાની મુક્ત મને પ્રશંસા કરી છે.

 

 સોનું ખરીદવા મોકલેલા નાણાં હડપ કરી લેવાયા હતા - SP સંજય ખરાત:

કેસની વિગતો આપતા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, મૂળ નવી દિલ્હીના વતની અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા સૌરભ જોલીએ સોનું ખરીદવા માટે એપ્રિલ ૨૦૨૬માં અમરેલીના એક શખ્સને રૂ. ૧૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પૂરેપૂરું પેમેન્ટ થઈ ગયા બાદ પણ તેમને સોનું સોંપવામાં આવ્યું નહોતું અને નાણાં મેળવનાર વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ ઘટના અંગે સૌરભ જોલીએ જૂન ૨૦૨૬માં ઓસ્ટ્રેલિયાથી જ અમરેલી જિલ્લા પોલીસ વડાને ઈ-મેઈલ મારફતે સત્તાવાર ફરિયાદ મોકલી આપી હતી.

 

 સાયબર ક્રાઈમ ટીમ અને બેંક વચ્ચેના સંકલનથી સફળતા મળી:

ઈ-મેઈલ મારફતે ફરિયાદ મળતા જ પોલીસે મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમ ટીમે સંબંધિત બેંક ખાતાઓની વિગતો મેળવી સતત ટ્રેકિંગ કર્યું હતું અને ફરિયાદીને પણ દરેક અપડેટથી સતત માહિતગાર રાખ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર કમલેશ ખટાણાએ જણાવ્યું હતું કે, નાણાં મેળવનાર વ્યક્તિ અમરેલીનો જ રહીશ હોવાથી પોલીસે તેની સાથે કડક ભાષામાં વાતચીત કરી અને મામલાની ગંભીરતા સમજાવી નાણાં પરત કરવા કાયદાકીય તાકીદ કરી હતી. જેના પરિણામે તે શખ્સે રૂ. ૧૧ લાખની પૂરેપૂરી રકમ પરત કરી દીધી હતી.

 

 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના - ફરિયાદીનો આભાર:

સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે કે છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને તાત્કાલિક સહાય પૂરી પાડી તેમની કમાણીનું રક્ષણ કરવા તમામ શક્ય પ્રયાસો કરવા. અમરેલી પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીથી પ્રભાવિત થઈને સૌરભ જોલીએ આભાર માનતો ઈ-મેઈલ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "હજારો કિલોમીટર દૂર હોવા છતાં મને ક્યારેય એવું ન લાગ્યું કે હું તપાસથી અલગ છું. અમરેલી પોલીસના ઝડપી કોમ્યુનિકેશન, ધીરજ અને વ્યવસ્થિત અભિગમે કાયદા-વ્યવસ્થામાં મારો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે."

(11:16 AM IST)