News of Monday, 29th June 2026
સુરતના મહીધરપુરા વિસ્તારમાં જ્વેલરી કારખાનામાંથી કારીગર માત્ર 30 સેકન્ડમાં ₹30.42 લાખનું સોનું અને હીરા લઈને ફરાર
સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી .

સુરતના મહીધરપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા એક જ્વેલરી કારખાનામાં કામ કરતો કારીગર અંદાજે ₹30.42 લાખની કિંમતનું સોનું અને હીરા લઈને માત્ર 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, પીપલોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વેપારી પ્રદીપકુમાર ચંદ્રનાથ માઇતી મહીધરપુરામાં સોના અને હીરાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવે છે. કારખાનામાં સંજીબ સાધ્ય ઉર્ફે બપન નામનો કારીગર પણ કામ કરતો હતો.
ઘટના બીજા દિવસની સવારે બની હતી. મેનેજરે કારીગરને લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ અંદાજે 10 મિનિટ માટે ઉપરના માળે ગયા હતા. આ દરમિયાન સંજીબે તકનો લાભ લઈ માત્ર 30 સેકન્ડમાં સોનું અને હીરા ભેગા કર્યા અને કારખાનામાંથી ફરાર થઈ ગયો.
થોડીવાર બાદ મેનેજર પરત ફર્યા ત્યારે કારીગર ગાયબ હતો. તપાસ કરતા લોકરમાંથી કિંમતી દાગીના પણ ગુમ હોવાનું જાણવા મળ્યું. વેપારીએ હિસાબ તપાસતા કુલ ₹30,42,016ની કિંમતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું.
ચોરી થયેલા માલમાં અંદાજે 111.565 ગ્રામ સોનું જેની કિંમત ₹11.65 લાખથી વધુ હતી, તેમજ 62.38 કેરેટના કિંમતી હીરા, જીઆઈએ (GIA) પ્રમાણિત હીરા, બ્રેસલેટ અને બંગડીઓ સહિતનો માલ સામેલ હતો. હીરાની કિંમત અંદાજે ₹18.76 લાખ હોવાનું જાણવા મળ્યું
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
