<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સુરતના ખટોદરા વિસ્તારમાં ઇકો કારે રસ્તો ક્રોસ કરતા મહિલાને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત:ત્રણ સંતાનોએ માતા ગુમાવી

ત્રણ સંતાનોની માતાના મોતથી પરિવારમાં શોક છવાયો: અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને ઝડપી પાડ્યો: ખટોદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી

સુરતના ખટોદરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરી રહેલી એક મહિલાને પૂરઝડપે આવતી ઇકો કારે અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સંતાનોની માતાએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ખટોદરા વિસ્તારમાં 44 વર્ષીય બેબીબેન રાઠોડ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલી ઇકો કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. કારની અડફેટે આવતાં બેબીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં 44 વર્ષીય બેબીબેન રાઠોડનું મોત થતાં તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ત્રણ સંતાનોની માતાના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. એક માર્ગ અકસ્માતે હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.

 

 

અકસમાતની ઘટના બનતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઇકો કારના ચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ પણ દોડી આવી હતી.  આ અકસ્માત મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:14 PM IST)