તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 17th November 2026
અનાર પટેલના ખોડલધામ ખાતેના નિવેદન બાદ ગુજરાતના સક્રિય રાજકારણમાં એન્ટ્રી થશે કે કેમ તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ
તેમણે ભૂતકાળની કડવાશ ભૂલી પાટીદાર સમાજના દીકરાઓને માફ કર્યા હોવાની વાત કરતા રાજકીય સંકેત :આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી હટ્યા બાદ ભાજપમાં મજબૂત પાટીદાર મહિલા નેતૃત્વની જગ્યા અંગે પણ ચર્ચા

ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા સમીકરણો રચાઈ રહ્યાં હોવાની ચર્ચા તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલના ખોડલધામ ખાતેના નિવેદન બાદ તેમની સક્રિય રાજકારણમાં એન્ટ્રી થશે કે કેમ તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ છે. ખાસ કરીને ભાજપમાં પાટીદાર મહિલા નેતા તરીકે અનાર પટેલની ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ખોડલધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનાર પટેલે આશરે 11 વર્ષ પહેલાંના પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. આંદોલનના કારણે તેમનાં માતા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હોવાનો રંજ વ્યક્ત કરવાની સાથે તેમણે ભૂતકાળની કડવાશ ભૂલી પાટીદાર સમાજના દીકરાઓને માફ કર્યા હોવાની વાત કરી હતી. તેમના આ નિવેદનને રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી હટ્યા બાદ ભાજપમાં મજબૂત પાટીદાર મહિલા નેતૃત્વની જગ્યા અંગે પણ ચર્ચા થતી રહી છે. હવે અનાર પટેલ માતાનો રાજકીય વારસો સંભાળશે કે કેમ તે સવાલ ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, તેમની રાજકીય એન્ટ્રી અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
બીજી તરફ PAASના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવા પાછળ માત્ર પાટીદાર આંદોલન જવાબદાર નહોતું, પરંતુ તે સમયનાં રાજકીય સમીકરણો પણ જવાબદાર હતાં. આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓ બદલ તેમણે વસવસો વ્યક્ત કરી માફી પણ માગી હતી. હવે સવાલ એ છે કે અનાર પટેલની આ પહેલ માત્ર સામાજિક સંવાદ છે કે 2027 પહેલાં ગુજરાતના રાજકારણમાં નવી ભૂમિકાની શરૂઆત? તેના પર સૌની નજર છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
