<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સુરતના ઓલપાડમાં અમીષ પટેલના શંકાસ્પદ મોતને લઈને કોળી સમાજમાં રોષ: અસામાજિક તત્વોએ હત્યા કરી હોવાના આક્ષેપ

ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમીષ પટેલનો લોહીલુહાણ મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો

સુરતના ઓલપાડમાં અમીષ પટેલના શંકાસ્પદ મોતને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે. ઓલપાડ પોલીસ મથક બહાર 200થી વધુ કોળી સમાજના લોકો ધરણા પર બેઠા હતા. સમાજના આગેવાનો દ્વારા અમીષ પટેલનું મોત અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત ષડયંત્ર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોએ ષડયંત્ર રચી હત્યા કરી હોવાના આક્ષેપ સાથે સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની માગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત 12 તારીખે રાત્રે ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમીષ પટેલનો લોહીલુહાણ મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ પૂરપાટ ઝડપે કાર ઝાડ સાથે અથડાતા અમીષનું મોત થયું હતું. જોકે, કોળી સમાજે સમગ્ર મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી યોગ્ય તપાસની માગ કરી છે.

(12:50 AM IST)