તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
માંડલ-બેચરાજી SIRમાં રોષ :10 વર્ષથી ફાઇનલ પ્લોટ ન મળતા ભારે આક્રોશ: તંત્રને એક મહિનાનું અલ્ટીમેટમ :આત્મવિલોપનની ચીમકી
હાંસલપુર, સીતાપુર અને ચાંદણકી ગામના ખેડૂતોમાં વર્ષોથી દબાયેલો રોષ હવે ઉગ્ર સ્વરૂપ બન્યું :કલાકો સુધી રાહ જોતા ખેડૂતોને હતું કે સમસ્યાનો ઉકેલ આવશે. પરંતુ કલેક્ટરના આ વલણથી ખેડૂતોમાં રોષ

માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ઓથોરીટી હેઠળની ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 1માં સમાવિષ્ટ હાંસલપુર, સીતાપુર અને ચાંદણકી ગામના ખેડૂતોમાં વર્ષોથી દબાયેલો રોષ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લગભગ છેલ્લા દાયકાથી TP સ્કીમ અંતર્ગત અંતિમખંડ (ફાઇનલ પ્લોટ) ન મળતા ખેડૂતો પોતાના હકથી વંચિત છે. આર્થિક તેમજ માનસિક બોજ વધતા ખેડૂતોએ તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
ગુરુવારે ખેડૂતો સાથે દ્વિપક્ષીય વાતચીત માટે કલેક્ટર માંડલ-બેચરાજી SIR ઝોન ઓફિસ ખાતે આવવાના હતા, પરંતુ મીડિયાની હાજરીની જાણ થતાં તેઓ રસ્તામાંથી જ પરત ફર્યા હોવાના આક્ષેપ છે. કલાકો સુધી રાહ જોતા ખેડૂતોમાં આશા હતી કે, હવે તેમની સમસ્યાનો ઉકેલ આવશે. પરંતુ કલેક્ટરના આ વલણથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, વર્ષ 2016માં સિનિયર ટાઉન પ્લાનર દ્વારા સ્કીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવા છતાં 2017 થી આજદિન સુધી કોઈ ફાઈનલ પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. વધુમાં, રોડ અને ગટર લાઈનની કામગીરીના કારણે ખેતી યોગ્ય જમીન ખોરવાઈ જતા છેલ્લા 8-10 વર્ષથી ખેડૂતોને દર વર્ષે અંદાજે રૂ. 10-15 લાખનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
હાંસલપુર ગામમાં ગામતળની જમીન જ નથી અર્થાત સર્વે નંબર 0 છે. આથી ગ્રામજનોએ ઉગ્ર માંગણી કરી છે કે સર્વે નંબર 279, 280, 336 તથા સર્વે નંબર 4-5 માં ગામતળની જમીન ફાળવવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો માગણી નહીં સ્વીકારાય તો રસ્તા પર ઉતરવા મજબૂર બનશે. એટલું જ નહીં, ગામલોકોએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જે અંગેનો એક વીડિયો પણ હાલ વાઈરલ થઈ રહ્યો છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
