તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
અંકલેશ્વર જીઆઈડીસીના હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમાર બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના રૂા.૨૫,૦૦૦ની લાંચ લેતા પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર ઝડપાયા : જુઓ વિડીયો
આઈપીએસ બળદેવ દેસાઈ, મદદનીશ નિયામક બી એમ પટેલ અને પીઆઈ એ એન પ્રજાપતિની ટીમનું સફળ છટકું : સાયબર ક્રાઇમે ફ્રીઝ કરેલું વેપારીનું બેંક ખાતું ચાલુ કરાવવા હેડ કોન્સ્ટેબલે માગી હતી લાંચ

અંકલેશ્વર:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન હેઠળની ભાડકોદ્રા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારને લાંચ વિરોધી બ્યુરો (એસીબી)ની ટીમે રૂા.૨૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલા એક વેપારીના બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવી આપવાની અવેજમાં આ લાંચ માગવામાં આવી હતી.
આ ચકચારી કેસની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી વ્યવસાયે વેપાર કરે છે અને તેમના વેપાર સંબંધિત બેંક એકાઉન્ટને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ બેંક એકાઉન્ટને ફરીથી અનફ્રીઝ કરાવવા બાબતે ભાડકોદ્રા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારે ફરિયાદીનો વારંવાર ફોન પર સંપર્ક કરીને લાંચની માંગણી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી હેડ કોન્સ્ટેબલે ફરિયાદીને રૂબરૂ મળીને બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાના કામના બદલામાં રૂા.૨૫,૦૦૦ની લાંચ આપવા દબાણ કર્યું હતું.
ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ ઈચ્છતા ન હોવાથી, તેમણે ભ્રષ્ટાચારના આ દૂષણ સામે જાગૃતિ દાખવી એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. આ ફરિયાદના આધારે વડોદરા શહેર એસીબી ફિલ્ડ દ્વારા પ્રાથમિક ચકાસણી કરવામાં આવતા ફરિયાદીની વાત સાચી હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
જેના પગલે એસીબી વડોદરા રેન્જના નાયબ નિયામક આઈપીએસ બળદેવ દેસાઈ, વડોદરા એકમના મદદનીશ નિયામક બી એમ પટેલના સુપરવિઝન હેઠળ એસીબી ફિલ્ડ વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા લાંચનું સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજ રોજ તા.૨૪/૦૬/૨૦૨૬ના રોજ અંકલેશ્વરના વાલિયા ચોકડીથી ભરૂચ જતા રોડ ઉપર આવેલા મોજે પાટીદાર રજવાડી ટી સ્ટોલ નામના સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી.
આ છટકાની કાર્યવાહી દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારે ફરિયાદી સાથે દુકાનની બહાર હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના રૂા.૨૫,૦૦૦ સ્વીકાર્યા હતા. આરોપીએ લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને તેને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી. આમ, આરોપી હેડ કોન્સ્ટેબલે પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી ગુનો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ એસીબી દ્વારા આરોપીની સઘન પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
