તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
અંકલેશ્વરમાં આડા સંબંધના વહેમે લીધો પત્નીનો ભોગ: નેપાળી વોચમેને બોથડ પદાર્થ ઝીંકી કરી નાખી કરપીણ હત્યા
કાનહા રેસિડેન્સી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ પતિએ ચારિત્ર્યની શંકામાં પત્નીને મોતને ઘાટ ઉતારી, પોલીસે આરોપીની કરી અટકાયત

અંકલેશ્વર : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક રહેણાક કોમ્પ્લેક્સમાં નેપાળી મૂળના સિક્યુરિટી ગાર્ડે પોતાની જ પત્નીની બોથડ પદાર્થ મારીને કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આડા સંબંધના વહેમ અને શંકાના આધારે આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની વિગતો અનુસાર, અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક આવેલી ‘કાન્હા રેસિડેન્સી’ નામના રહેણાક સોસાયટીમાં મૂળ નેપાળનો ટેકબહાદુર ભીમ બહાદુર ચંદ તેની પત્ની લક્ષ્મીચંદ સાથે રહેતો હતો અને સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતો હતો. દંપતી સોસાયટીના સિક્યુરિટી રૂમમાં જ નિવાસ કરતું હતું, જ્યાં ગઈકાલે રાત્રે અથવા વહેલી સવારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ભારે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા આવેશમાં આવેલા પતિ ટેકબહાદુરે સિક્યુરિટી રૂમમાં જ પત્ની લક્ષ્મીચંદના માથાના ભાગે તીક્ષ્ણ કે બોથડ પદાર્થના ફટકા મારવાનું શરૂ કર્યું હતું, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લક્ષ્મીચંદ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ સોસાયટીના રહીશોને થતાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અંકલેશ્વર GIDC પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે સોસાયટીના સિક્યુરિટી રૂમમાંથી મૃતક મહિલાનો રક્તરંજિત મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. ઘટના અંગે પ્રાથમિક તપાસ કરનાર અધિકારીઓના જણાવ્યા મુજબ, પતિ ટેકબહાદુરને તેની પત્નીના કોઈ અન્ય પુરુષ સાથેના આડા સંબંધો હોવાની શંકા હતી અને આ વહેમ તથા ચારિત્ર્ય પરના સંશયના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
GIDC પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીને આરોપી પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદની અટકાયત કરી લીધી છે. પત્નીની હત્યા પાછળનું ચોક્કસ અને વાસ્તવિક કારણ શું હતું, તે દિશામાં પોલીસ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેથી શાંત ગણાતા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
