તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
ગાંધીનગરના સેન્ટેજમાં વેક્સની ફેકટરીમાં ફરી ભીષણ આગ ભભૂકી : સમગ્ર વિસ્તારમાં અફરતફરીનો માહોલ
કેમિકલ અને વેક્સના જથ્થાના કારણે અચાનક ફરીથી આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું

ગાંધીનગરના ઔદ્યોગિક વિસ્તાર સાંતેજમાં આવેલી વેક્સ (મીણ) બનાવતી એક ફેક્ટરીમાં શનિવારે લાગેલી ભીષણ આગ બાદ આજે ફરીથી એ જ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ઘટના મળતી માહિતી અનુસાર, શનિવારે લાગેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા આજે ફેક્ટરીની અંદર 'કુલિંગ' (આગ ઓલવ્યા પછી ઠંડી કરવાની પ્રક્રિયા) ની કામગીરી ચાલી રહી હતી.
આ દરમિયાન કેમિકલ અને વેક્સના જથ્થાના કારણે અચાનક ફરીથી આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાતા જ આસપાસના કારખાનાના કર્મચારીઓ પણ ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા.
વેક્સની આગ હોવાના કારણે તે ઝડપથી ફેલાઈ રહી હતી, જેથી સાંતેજ ફાયર બ્રિગેડે મામલાની ગંભીરતા જોઈને તાત્કાલિક અન્ય 3 સ્ટેશનોની મદદ માંગી હતી. અગમચેતીના ભાગરૂપે અમદાવાદ, કલોલ અને કડી ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરીને મદદ માટે બોલાવવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડના બે મોટા વાહનો (ફાયર ફાઇટરો) તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરી દેવાયા છે. હાલ અલગ-અલગ જગ્યાએથી આવેલી ફાયર ફાઇટરોની ટીમો અને જવાનો જીવના જોખમે આગ પર કાબૂ મેળવવા માટે પાણી અને ફોમનો મારો ચલાવી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
