તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
કોઈ પણ કળા કે વિદ્યા મૂળ રૂપમાં હશે તો જ પરમાત્માના ઘટ સુધી પહોંચાશે : પૂ. મોરારીબાપુના વ્યાસાસને 'માનસ શિવ સંકલ્પ' રામકથામાં જ્ઞાનગંગા વહી : જુઓ વિડીયો
સગાપરા ધાર કૈલાસ ટેકરી ખાતે આઠમા દિવસે મનની પાંચ ગ્રંથિઓનું સદ્રષ્ટાંત નિરૂપણ અને વિવિધ સાહિત્યિક પ્રકાશનોના લોકાર્પણ : કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના અનેક મહાનુભાવો અને સંતોની પ્રેરક ઉપસ્થિતિ

ઈશ્વરિયા:ગોહિલવાડના સગાપરા ધાર સ્થિત કૈલાસ ટેકરી ખાતે લાલગિરિ બાપુના સંકલ્પથી આયોજિત રામકથામાં આઠમા દિવસે પૂ. મોરારીબાપુએ શ્રોતાઓને જીવનદર્શનનું ભાથું પીરસ્યું હતું. વ્યાસપીઠ પરથી પૂ. મોરારીબાપુએ 'માનસ શિવ સંકલ્પ' કથાના પ્રવાહને આગળ વધારતા અત્યંત ગૂઢ વાત કરી હતી કે, જો કોઈ પણ કળા કે વિદ્યા તેના મૌલિક અને મૂળ રૂપમાં જાળવવામાં આવે, તો જ તેના માધ્યમથી પરમાત્માના ઘટ એટલે કે આત્માના ઊંડાણ સુધી પહોંચી શકાય છે.
મનની પાંચ ગાંઠોનું સદ્રષ્ટાંત નિરૂપણ:
કથાના આઠમા દિવસે પૂ. બાપુએ મન રૂપી રૂમાલની પાંચ ગાંઠોનું સુંદર રૂપક પ્રસ્તુત કર્યું હતું. મનમાં આકાર, વિકાર, સંકલ્પ અને વિકલ્પ જેવા દ્વંદો કેવી રીતે પેદા થાય છે તેની સમજ આપતા તેમણે પાંચ ગ્રંથિઓ – પૂર્વગ્રહ ગાંઠ, લઘુતા ગ્રંથિ, જડ ચેતન ગાંઠ, મડા ગાંઠ અને હૃદય ગ્રંથિનું વર્ણન કર્યું હતું. પૂ. બાપુએ ભારપૂર્વક જણાવ્યું કે હૃદયની આ ગ્રંથિઓ માત્ર પરમાત્માના નામ સ્મરણથી જ ઓગળી શકે છે; હરિના નામનો આશ્રય જ આ ગાંઠો તોડવા માટે સક્ષમ છે. કથામાં રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનું નામકરણ, ઋષિ વશિષ્ઠના આશ્રમે અભ્યાસ અને જનકપુરના સ્વયંવર જેવા પ્રસંગોનું ચિંતનસભર વર્ણન કરાયું હતું.
વિવિધ પ્રકાશનોના લોકાર્પણ અને મહાનુભાવોની હાજરી:
આ પ્રસંગે વ્યાસપીઠ પરથી નીતિનભાઈ વડગામાના સંચાલન હેઠળ અનેક સાહિત્યિક કૃતિઓનું લોકાર્પણ થયું હતું. જેમાં દિલ્હીની કથા આધારિત 'માનસ સનાતન ધર્મ', 'મોરારીબાપુ : મારી પ્રીતિ, મારી પ્રતીતિ', 'પોથીના પરતાપે', '108 એવરગ્રીન ગુજરાતી પોએમ્સ' અને 'અસ્તિત્વના આકાશમાં અનરાધાર રેઈનબો' જેવા પુસ્તકો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે નીતિન વડગામા, જયદેવ માંકડ, રૂપલ માંકડ, પ્રણવ પંડ્યા, યોગેશ ચોલેરા, હરદ્વાર ગોસ્વામી અને રક્ષાબેન શુક્લ જેવા લેખકો-સંપાદકો સાથે નિલેશ વાવડિયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કથામાં જોડાઈને યુવાવર્ગની જાગૃતિ પર રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પૂ. બાપુની કથા જીવનના વળાંકો આપનારી અને હૃદય પરિવર્તન માટે આશીર્વાદરૂપ છે. આ ધાર્મિક મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ શેરનાથબાપુ, કણિરામબાપુ, લલિતકીશોરબાપુ અને સીતારામબાપુ જેવા મૂર્ધન્ય સંતો-મહંતોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
