તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અરવલ્લીમાં મેઘરાજાને મનાવવા માટે ઈસરી ગામના લોકોએ પરંપરાગત આસ્થા અને પ્રાર્થનાનો સહારો લીધો
માથે પાણીના બેડાં ધારણ કરીને મહિલાઓ ભજન-કીર્તનના નાદ સાથે પગપાળા ગામના સુપ્રસિદ્ધ કંટાળું હનુમાનજી મંદિરે પહોંચી: પરંપરાગત લોકગીતો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે હનુમાનજીની મૂર્તિ પર જળાભિષેક કરી વરુણદેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો અને ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં લહેરાતો પાક વરસાદના અભાવે સુકાઈ રહ્યો છે, ત્યારે અન્નદાતાની ચિંતા દૂર કરવા અને મેઘરાજાને મનાવવા માટે ઈસરી ગામના લોકોએ પરંપરાગત આસ્થા અને પ્રાર્થનાનો સહારો લીધો છે.
ઈસરી ગામની 50થી વધુ મહિલાઓએ એકત્ર થઈને અનોખો પ્રયાસ કર્યો હતો. માથે પાણીના બેડાં ધારણ કરીને આ મહિલાઓ ભજન-કીર્તનના નાદ સાથે પગપાળા ગામના સુપ્રસિદ્ધ કંટાળું હનુમાનજી મંદિરે પહોંચી હતી. પરંપરાગત લોકગીતો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મહિલાઓએ હનુમાનજીની મૂર્તિ પર જળાભિષેક કરી વરુણદેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી હતી.
ગામના અગ્રણીઓ અને ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા વાવેતર કરેલો પાક સુકાઈ રહ્યો છે. સરકારની સિંચાઈ વ્યવસ્થા ઉપરાંત ગામડાઓમાં જ્યારે કુદરતી આફત આવે ત્યારે લોકો લોકઆસ્થામાં વિશ્વાસ રાખતા હોય છે. આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓ જયશ્રીબેન બાલુભાઈ રાવલ, વીણાબેન પટેલ અને આશાબેન પટેલે જણાવ્યું હતું કે, તેમને પૂર્ણ વિશ્વાસ છે કે હનુમાનજીના આશીર્વાદથી મેઘરાજા ચોક્કસ પધારશે અને પાકને નવું જીવન મળશે.
ગામલોકોની આ સામૂહિક પ્રાર્થનાએ સાબિત કર્યું છે કે વિજ્ઞાનના યુગમાં પણ ગામડાઓની મૂળભૂત આસ્થા અને પરંપરાઓ આજે પણ અકબંધ છે. હવે સમગ્ર ગામ મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
